(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ હળવો થતાં તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની ચિંતા હળવી થતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ચોથા સત્રમાં તેજીનું ઈંધણ મળતાં આગેકૂચ જળવાઈ રહી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 347.14 પૉઈન્ટની અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં 96.55 પૉઈન્ટની તેજી આગળ ધપી હતી. વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 14806.30 કરોડની ખરીદી સામે રૂ. 14,704.71 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 101.59 કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી. તેમ જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 16,611.87 કરોડની ખરીદી સામે રૂ. 15,050.47 કરોડની વેચવાલી રહેતાં રૂ. 1561.40 કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. આમ આજે સ્થાનિક તેમ જ વિદેશી સંસ્થાકીય ખરીદીનો પણ તેજીને ટેકો મળ્યો હતો.
એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 76,808.48ના બંધ સામે સુધારાના અન્ડરટોને 77,080.09ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 76,768.49 અને ઉપરમાં 77,218.99ની રેન્જમાં રહીને અંતે ગઈકાલના બંધ સામે 0.45 ટકા અથવા તો 347.14 પૉઈન્ટ વધીને 77,155.62ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 23,989.15ના બંધ સામે વધીને 24,044.50ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 23,969.70 અને ઉપરમાં 24,108.20 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.40 ટકા અથવા તો 96.55 પૉઈન્ટના સુધારા સાથે 24,085.70ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઈ ખાતે 4443 શૅરોમાં કામકાજ થયા હતા. જેમાંથી 2323 શૅરના ભાવ વધીને 1956 શૅરના ભાવ ઘટીને અને 64 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 133 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 56 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
એકંદરે વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવ હળવો થવાથી અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગથી શિપમેન્ટ વિક્ષેપિત થવાની ચિંતા દૂર થતાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહેતાં રોકાણકારોના માનસમાં બદલાવ આવ્યો હતો અને બજારમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે છેલ્લાં ચાર સત્રમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 3323.07 પૉઈન્ટનો અથવા તો 4.50 ટકાનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 924.10 પૉઈન્ટનો અથવા તો 3.98 ટકાનો સુધારો આવ્યો છે.
વધુમાં રેલિગેર બ્રોકિંગ લિ.નાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત તમામ ક્ષેત્રના શૅરોમાં લેવાલી નીકળતાં સતત ચોથા સત્રમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું છે. વધુમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ અને આજે મોડી સાંજે સમાપન થતી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખવામાં આવે તેવા આશાવાદે બજારની તેજીને ટેકો પૂરો પાડ્યો છે.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 19 શૅરના ભાવ વધીને અને 11 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ 7.06 ટકાનો વધારો ટ્રેન્ટમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ભારત ઈલેક્ટ્રોનિકસ લિ.માં 3.06 ટકા, ઈટર્નલમાં 1.95 ટકા, ટાટા સ્ટીલમાં 1.53 ટકા, ઈન્ફોસિસમાં 1.29 ટકાનો અને ટૅક મહિન્દ્રામાં 1.10 ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 1.22 ટકાનો ઘટાડો બજાજ ફિનસર્વમાં જોવા મળ્યો હતો. આ સિવાય એક્સિસ બૅન્કમાં 1.09 ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં 0.88 ટકાનો, મારુતિ સુઝુકી લિ.માં 0.45 ટકાનો, એશિયન પેઈન્ટસમાં 0.43 ટકાનો અને આઈટીસીમાં 0.34 ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં 1.20 ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.31 ટકાનો સુધારો આવ્યો હતો.
બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં આજે મુખ્યત્વે યુટિલિટી ઈન્ડેક્સ, ઑટો અને રિઅલ્ટી ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જ્યારે કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 2.76 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 1.83 ટકાનો, પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 1.80 ટકાનો, ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 1.39 ટકાનો, પાવર ઈડેક્સમાં 1.19 ટકાનો અને મેટલ ઈન્ડેક્સમાં 1.19 ટકાનો સુધારો આવ્યો હતો.
વધુમાં આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાના કોસ્પી, જાપાનના નિક્કી 225 ઈન્ડેક્સ અને શાંઘાઈના એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા, જ્યારે હૉંગકૉંગનો હૅંગસૅંગ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન યુરોપના બજારોમાં મિશ્ર વલણ રહ્યું હતું.