Sun Mar 08 2026

Logo

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં પોસ્ટ કરીને ટ્રોલ્સના નિશાના પર આવી આ જાણીતી એક્ટ્રેસ, જાણી લો શું છે કારણ...

5 days ago
Author: Darshana Visaria
Article Image

અત્યારે મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલાં ભયાનક યુદ્ધ અને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોતના અહેવાલોને કારણે ભારતના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ આખા ઘટનાક્રમ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી, જેને લઈને વિપક્ષ અને સોશિયલ મીડિયાનો એક વર્ગ સવાલો ઉઠાવી રહ્યો છે. આ વિવાદ વચ્ચે ટીવી અને બોલીવૂડ અભિનેત્રી હિના ખાન પીએમ મોદીના સમર્થનમાં મેદાને આવી છે અને હીના ખાન ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ છે. ચાલો જોઈએ શું છે આખો મામલો... 

બ્રેસ્ટ કેન્સર સામે જંગ લડી રહેલી ટીવી એક્ટ્રેસ હિના ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બે ફોટો શેર કર્યા છે. જેમાંથી એક ફોટોમાં એક નાનું બાળક રસ્તા પર ટાયર ફેરવી રહ્યું છે અને બીજી તરફ પીએમ મોદીનો ફોટો છે. આ ફોટો સાથે હિના કેપ્શનમાં લખ્યું છે કે જેઓ આ ટાયર પણ સરખી રીતે નથી ચલાવી શકતા, તેઓ એમના પર સવાલ ઉઠાવી રહ્યા છે જે આટલો મોટો દેશ ચલાવી રહ્યા છે. દુસાહસ, હિંમત અને વિડંબના. જય હિંદ.

હિના ખાને પોતાની પોસ્ટમાં કોઈનું નામ લીધું નથી, પરંતુ તેનો ઈશારો સ્પષ્ટપણે પીએમ મોદીની ટીકા કરનારાઓ તરફ હતો. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ આ પોસ્ટ શેર કરીને પોતાની દેશભક્તિ અને સરકારને સમર્થન આપ્યું છે. હિના ખાનની આ પોસ્ટ બાદ નેટીઝન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો તેના સમર્થનમાં છે તો કેટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે. 

હિના ખાનની આ પોસ્ટને કારણે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેને 'ચાટુકાર' કહી તો કેટલાકે તેને પોતાના કામમાં ધ્યાન આપવાની સલાહ આપી. એક યુઝરે ગુસ્સામાં લખ્યું કે, શું તર્ક છે આ વાતનો? મેં ટાયર ચલાવવામાં કોચિંગમાં ટોપ કર્યું હતું, તો શું હું દેશ ચલાવી શકું? તમે પણ હિના ખાનની આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો... 

વળી કેટલાક યુઝર્સ હિના ખાનની આ પોસ્ટને ધાર્મિક એંગલ આપી રહ્યા છે. નેટિઝન્સ હિના ખાનને તેના ધર્મ સાથે જોડીને પણ નિશાન બનાવી છે, કારણ કે ઈરાન સાથે ભારતના સારા સંબંધો રહ્યા છે અને ખામેનેઇના મૃત્યુ પર સરકારની ચૂપકીદી મુસ્લિમ સમુદાયના એક વર્ગને પરેશાન કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો હંમેશાથી જ મજબૂત રહ્યા છે. ચાબહાર પોર્ટ જેવા પ્રોજેક્ટ્સને કારણે ઈરાન ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. જોકે, વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં ભારત ખૂબ જ સાવચેતીપૂર્વક 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ અપનાવી રહ્યું છે, જે વિવાદનું કારણ બન્યું છે.