Wed Aug 19 2026

Logo

'હેલો ગ્રીનલેન્ડ!' ઇરાન જંગ વચ્ચે ટ્રમ્પનું ફોક્સ બદલાયું, અહીં પણ તેલનો ખેલ

Washington DC   2026-05-23 09:26:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડને લઈને ચર્ચા જગાવી છે. ટ્રમ્પે શુક્રવારે સોશિયલ મીડિયા પર પોતાની એક અજીબ તસવીર શેર કરી હતી, જેમાં તેઓ ગ્રીનલેન્ડને ઉપરથી જોતા નજરે પડે છે. આ તસવીર સાથે તેમણે લખ્યું, "હેલો, ગ્રીનલેન્ડ!" આ સિવાય, ટ્રમ્પના એક દૂતે ઈરાનના તેલ પુરવઠા (ઓઈલ સપ્લાય)ના મામલામાં ગ્રીનલેન્ડને એક વિકલ્પ તરીકે પણ રજૂ કર્યું છે.

ટ્રમ્પની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે ગ્રીનલેન્ડમાં અમેરિકાની હાજરી વધારવા અંગેનો વિવાદ વકરી રહ્યો છે. તાજેતરમાં જ લુઇસિયાનાના એટર્ની જનરલ અને ગ્રીનલેન્ડ માટેના અમેરિકાના વિશેષ દૂત જેફ લેન્ડ્રીએ ત્યાંની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રીનલેન્ડના નેતાઓ અને વ્યાપારી પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.

લેન્ડ્રીએ 'એક્સ' (ટ્વિટર) પર લખ્યું કે તેમણે વિવિયાન મોત્ઝફેલ્ટ, આજા કેમિત્ઝ અને અન્ય કેટલાક રાજકીય તેમજ વ્યાપારી નેતાઓ સાથે સુરક્ષા, આર્થિક વિકાસ અને આર્કટિક ક્ષેત્રમાં પરસ્પર વ્યૂહાત્મક હિતો પર ચર્ચા કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકા આગામી મહિનાઓમાં ગ્રીનલેન્ડ સાથેના સહયોગને વધુ મજબૂત કરવા ઈચ્છે છે

ગ્રીનલેન્ડમાં અમેરિકાનો વિરોધ

અમેરિકાની વધતી સક્રિયતાને લઈને ગ્રીનલેન્ડમાં વિરોધ પણ વધી રહ્યો છે. ગુરુવારે રાજધાની નૂક (Nuuk)માં સેંકડો લોકોએ નવા અમેરિકી વાણિજ્ય દૂતાવાસ (કોન્સ્યુલેટ) ભવનની સામે પ્રદર્શન કર્યું હતું. ઘણા પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર "Go away!" ના નારા લગાવતા જોવા મળ્યા હતા. લોકોનો આરોપ છે કે અમેરિકા આર્થિક સહયોગ અને સુરક્ષાના નામે ગ્રીનલેન્ડમાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે.

ગ્રીનલેન્ડમાં તેલ ઉત્પાદનનો ખેલ

હવે ઈરાન યુદ્ધ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના સંકટ વચ્ચે ગ્રીનલેન્ડને એનર્જી સપ્લાયના એક નવા વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. જેફ લેન્ડ્રીએ દાવો કર્યો છે કે ગ્રીનલેન્ડ રોજનું 20 લાખ બેરલ તેલનું ઉત્પાદન કરી શકે છે. તેમણે કહ્યું, "વિચારો કે આનાથી હોર્મુઝ સામુદ્રધુની પર કેટલું દબાણ ઓછું થઈ શકે છે."