દેશભરના વિવિધ રાજ્યોમાં મંગળવારે ભારે વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ અનેક વિસ્તારોમાં વીજળી પડી હોવાના સમાચાર પણ પ્રકાશમાં આવ્યાં છે. ઝારખંડના ત્રણ જિલ્લામાં વીજળી પડવાથી 13 લોકોના મોત થયા અને આઠ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યાં છે.
ગિરિડીહ, દુમકા અને લાતેહાર પડી આકાશી આફત
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઝારખંડના ગિરિડીહ, દુમકા અને લાતેહાર જિલ્લામાં વીજળી પડતા આશરે 13 લોકોનું અકાળે મોત થયું છે. આ સાથે ચારથી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં છે. પોલીસે આપેલી વિગતો પ્રમાણે 13 મૃતકોમાંથી 8 મોત ગિરિડીહમાં, ત્રણ મોત દુમકામાં અને બાકીના બે લોકોના મોત લાતેહારમાં થયાં છે. હજી પણ આ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ખરાબ હોવાના કારણે તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, દુમકા જિલ્લાના રામગઢમાં વીજળી પડવાની ત્રણ અલગ અલગ ઘટનામાં ત્રણ લોકોના મોત થયાં છે. આના કારણે એક બાળક સહિત ચાર લોકો ઘાયલ પણ થયાં છે. લાતેહાર જિલ્લાના વાત કરવામાં આવે તો, અહીં અલગ અલગ જગ્યાએ વીજળ પડવાના કારણે ત્રણ લોકોના મોત થયાં છે. જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ પણ થઈ છે.
યુપીમાં વીજળીની અલગ અલગ ઘટનામાં ત્રણ લોકોના મોત
ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો, વીજળીની અલગ અલગ ઘટનામાં ત્રણ લોકોના મોત થયાં છે. આ સાથે એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. દેવરિયા જિલ્લામાં આસનહાર ગામમાં એક આઠ વર્ષની બાળકી ફોન ચાર્જ મુકવા જતી હતી, ત્યારે તેને કરંટ ઝટકો લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઈટાહ જિલ્લાના રાધા વિહાર વિસ્તારમાં ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવતા 10 વર્ષના છોકરાનું મોત થયું છે. આરુષ નામનો પીડિત તેના નાના ભાઈને ટ્યુશનમાં મુકીને ઘરે પરત ફરતો હતો ત્યારે ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવ્યો અને જોરદાર કરંટ લાગ્યો હતો. લખનઉના ગોસાઈજંગ ક્ષેત્રના રામવાગ ધામ અમેઠી મંદિરીમાં પણ વીજળીના કારણે એક 65 વર્ષીય પુજારીનું મોત થયું છે. સમગ્ર મામલે જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.