અમદાવાદ/નવી દિલ્હી: દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસ હીટવેવની સંભાવના છે. પશ્ચિમ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં પણ આવી જ સ્થિતિ રહેશે. અહીંયા માત્ર દિવસ જ નહીં રાત પણ ગરમ રહેશે. ગઈકાલે વિદર્ભના અકોલામાં દેશનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આ યાદીમાં ગુજરાતના એક શહેરનો પણ સમાવેશ થયો હતો. આખું ભારત જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય એવી હાલત છે. આ વખતે તો મહારાષ્ટ્રે ગરમીના મામલે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને પણ પાછળ છોડી દીધા છે.
દેશના સૌથી ગરમ શહેરો
અકોલા: 46.9°c
અમરાવતી: 46.8°c
બાંદા: 46.6°c
વર્ધા: 46.6°c
બાડમેર: 46.4°c
જેસલમેર: 46.0°c
યવતમાળ: 46.0°c
પ્રયાગરાજ: 45.7°c
નાગપુર: 45.4°c
અદિલાબાદઃ 45.3°c
નંદુરબારઃ 45.2°c
કોટા: 45.2°c
ચિત્તોડગઢ: 45.2°c
કંડલાઃ 45.2°c
ખજૂરાહોઃ 45.0°c
ચંદ્રપુર: 45.0°c
The highest maximum temperature of 46.9°C was reported at #Akola (VIDARBHA).#HeatWave conditions realised at a few places of Vidarbha, isolated pockets of Rajasthan and Uttar Pradesh. pic.twitter.com/pHVFWoR9W8
— India Meteorological Department (@Indiametdept) April 26, 2026
અમદાવાદમાં ગરમીએ તોડ્યો 15 વર્ષનો રેકોર્ડ
અમદાવાદમાં ગરમીએ 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. ગઈકાલે 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે હીટવેવની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્રણ દિવસ ગરમીથી કોઈ રાહત નહીં મળે. હવામાન વિભાગે આજે હીટવેવની આગાહી આપી છે. આજે કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં હીટવેવની શક્યતા આપવામાં આવી છે. કોર્પોરેશન અને આરોગ્ય વિભાગે લોકોને બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ગરમીથી બચવા માટે ખાસ તકેદારી રાખવા જણાવાયું છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ શરબત જેવા પ્રવાહી લેવા ડોક્ટરો દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની અપેક્ષા નથી. ત્યારબાદ, ગુજરાતભરમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41°C થી 45°C અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોના અલગ અલગ ભાગોમાં 35°Cથી 40°C ની વચ્ચે રહેવાની સંભાવના છે.
હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં હીટવેવ (લૂ) ને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, પશ્ચિમ રાજસ્થાનમાં હીટવેવની સાથે રાત્રે પણ લૂ ફૂંકાઈ રહી છે, જેના પગલે IMD એ ત્યાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
વરસાદ અને કરાની આગાહી
પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઝારખંડમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા, કરા પડવાની શક્યતા અને ભારે વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદની અસર અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય તેમજ સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે.
રાજસ્થાનમાં કાળઝાળ ગરમી
મધ્ય મહારાષ્ટ્રની સાથે પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનમાં એક-બે સ્થળોએ ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે અહીં યલો એલર્ટ જાહેર કર્યું છે. જોકે હવે ગરમીની સ્થિતિમાં થોડો ઘટાડો થશે, પરંતુ ઉત્તર-પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં તેની અસર ચાલુ રહેશે.