Wed Sep 02 2026

Logo

કોંગ્રેસના જયરામ રમેશે LPG મુદ્દે મોદી પર પ્રહાર કરતાં હર્ષ સંઘવી સાથે જામી, શું આપ્યો જવાબ ?

2026-04-27 10:00:00
Author: Vimal Prajapati
કોંગ્રેસના જયરામ રમેશે LPG મુદ્દે મોદી પર પ્રહાર કરતાં હર્ષ સંઘવી સાથે જામી, શું આપ્યો જવાબ ?

અમદાવાદ: ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ કરવાનો કોઈ પણ મોકો છોડતા નથી. અત્યારે ફરી એક નવો વિવાદ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને કોંગ્રેસ નેતા જયરામ રમેશ વચ્ચે વાક્ યુદ્ધ જોવા મળ્યું છે. આ વિવાદની શરૂઆત કેન્દ્ર સરકારની ઉર્જા નીતિ અને આયાત નિર્ભરતા પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટીકાથી થઈ હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર વિવાદ...

શું છે આ સમગ્ર વિવાદ?

જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે ભારતની ક્રૂડ ઓઈલ અને એલપીજી આયાત પર નિર્ભરતા વધી છે. તેમણે જણાવ્યું કે ક્રૂડ ઓઈલની આયાત 2014-15માં 84% હતી જે 2024-25માં વધીને 90% થઈ ગઈ છે, જ્યારે એલપીજી આયાત 46% થી વધીને 62% થઈ છે. તેમણે 'આત્મનિર્ભરતા'ના દાવાઓ પર પ્રશ્ન ઉઠાવતા GSPC દ્વારા કૃષ્ણ-ગોદાવરી બેસિનમાં ગેસ શોધના પ્રોજેક્ટને 'સ્કેમ' ગણાવ્યો હતો. આ પોસ્ટ મામલે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે. 

હર્ષ સંઘવીનો વળતો પ્રહાર કરતા શું કહ્યું?

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ આક્ષેપોને ફગાવતા જયરામ રમેશને તથ્યો તપાસવાની સલાહ આપી છે. તેમણે યાદ અપાવ્યું કે તત્કાલીન UPA સરકારના પ્રધાન મણિશંકર અય્યરે પણ આ શોધના વખાણ કર્યા હતા અને આ બ્લોકની માઈનિંગ લીઝ 2012માં UPA સરકાર દ્વારા જ આપવામાં આવી હતી. સંઘવીએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ કૌભાંડ નહોતું, પરંતુ તે સમયે ટેકનિકલ પડકારો હતા, જે હવે ONGC દ્વારા ઉકેલવામાં આવ્યા છે.

તેમણે કોંગ્રેસને આડેહાથ લેતા પૂછ્યું કે, "2011માં કોંગ્રેસે CAG રિપોર્ટને નકારી કાઢ્યો હતો અને હવે 2026માં તેમને કૌભાંડ દેખાઈ રહ્યું છે? કોંગ્રેસ કયા સ્ટેન્ડ પર વિશ્વાસ કરવા માંગે છે?" તેમણે વધુમાં ઉમેર્યું કે મોદી સરકારની HELP પોલિસી હેઠળ સુધારાઓ થયા છે અને આત્મનિર્ભરતા એ એક સતત ચાલતી પ્રક્રિયા છે.

 

ઉર્જા સુરક્ષા અંગે સરકારની સ્થિતિ

વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ (યુએસ, ઈઝરાયેલ અને ઈરાન) વચ્ચે ઉર્જા ક્ષેત્રે પેદા થયેલી અસ્થિરતા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે, ભારત પાસે હાલમાં આશરે 60 દિવસ માટે ક્રૂડ ઓઈલનો સ્ટોક ઉપલબ્ધ છે અને એલપીજીનો એક મહિનાનો પુરવઠો સુરક્ષિત છે. સરકારે અછતની અફવાઓને 'પાનિક ક્રિએટ' કરવા માટેનું ષડયંત્ર ગણાવીને ફગાવી દીધી છે.