Thu Apr 30 2026

Logo

સુખ ને શાંતિ પાછળ ભાગો, પૈસા પાછળ નહીં...

2026-04-21 08:17:00
Author: Gaurav Mashroowala
Article Image

ગૌરવ મશરૂવાળા

થોડા દિવસ પહેલાં મારા ભત્રીજાનો ફોન આવ્યો. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની તકો અંગે એ મારી સાથે  ચર્ચા કરવા માગતો હતો. અમે વિદેશની અલગઅલગ યુનિવર્સિટીઓ, તેના અભ્યાસક્રમો, અરજી કરવાની પદ્ધતિ, વગેરે વિશે ઘણી ચર્ચા કરી. આખરે વાત વિદેશમાં ભણવાના ખર્ચની આવી ત્યારે એણે એક એવો સવાલ કર્યો કે હું હબક ખાઈ ગયો. એણે પૂછયું: ‘અંકલ, આરઓઆઈ કેટલું થશે?’ આરઓઆઈ એટલે રિટર્ન ઑફ ઈન્વેસ્ટમેન્ટ. એ એમ પૂછવા માગતો હતો કે કોર્સ પૂરો થઈ ગયા પછી એની કમાણી કેટલી થશે. તેના કહેવા પ્રમાણે, તેના ભણતર પાછળ એનો માતાપિતા જે ખર્ચ કરશે તેટલી રકમનું ધારો કે કશેક રોકાણ કરવામાં આવ્યું હોય તો તેના પર જે વળતર મળે એટલી કમાણી તો એની વિદેશી ડિગ્રીના આધારે થવી જ જોઈએ. હું હેબતાઈ એટલા માટે ગયો હતો કે મને એની આ વાત કોઈ રીતે સમજાય તેમ નહોતી. ભણતર એટલે જ્ઞાનપ્રાપ્તિનું માધ્યમ જેનો ઉપયોગ ખુદની અને સમાજની સુખાકારી માટે કરવાનો હોય. ભણતરને કારણે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને રૂપિયા - પૈસામાં શી રીતે તોળી શકાય?

આ વાત મેં મારા ભત્રીજાને કહી તો એણે કહ્યું, ‘પણ જો વધારે સારું વળતર મળવાનું ન હોય તો મારે શા માટે પપ્પાના આટલા બધા પૈસા વેડફવા જોઈએ? ફોરેન ભણવા જવાને બદલે એટલું નાણું કોઈ સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરીને બેઠો બેઠો વ્યાજ ન ખાઉં!’

આ કંઈ એકલદોકલ કિસ્સો નથી. મને મળવા આવતા કેટલાય વાલીઓ અને વિદ્યાર્થીઓ ચોક્કસ કોર્સ કર્યા પછી કારકિર્દી બનવાના કેવાક ચાન્સ છે તે વિશે પૂછતા હોય છે. તેઓ ખરેખર એમ પૂછવા માગતા હોય છે કે જે - તે વિદ્યાશાખાનું ભણતર તેમને ભવિષ્યમાં કેટલી કમાણી કરાવી શકશે.

 

માત્ર વિદ્યાર્થીઓ જ આવું વિચારે છે એવું નથી. વડીલો પણ એવા જ વ્યવસાયને આગળ વધારવાની કોશિશ કરે છે જેમાંથી વધારે કમાણી થઈ શકતી હોય.

લોકો આ પ્રકારનો વ્યવહાર કરે છે, કેમ કે તેમને લાગે છે કે પૈસો હશે તો તેની પાછળપાછળ સુખ આવશે અને પછી માનસિક શાંતિ પણ આવશે. બીજી રીતે કહીએ તો, તેમને લાગે છે કે જો પૈસો હશે તો સુખ અને શાંતિ તેઓ ખરીદી શકશે.

સુખ અને શાંતિ આપણને સૌને જોઈએ છે. આ બન્ને બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. આપણું મન શાંત હશે ત્યારે આપણને સુખનો અનુભવ થાય છે. માનસિક તાણ હેઠળ જીવતાં હોઈશું તો સુખની અનુભૂતિ નહીં થાય.

અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે પૈસાની જરૂર છે તે હકીકત સામે કોઈ વિરોધ ન હોઈ શકે. તંદુરસ્તીની જાળવણી અને ભણતર માટે પણ પૈસો જરૂરી છે, પણ પૈસો તેનાથી વધુ બીજું કશું આપી શકતો નથી. એક વાર મને વિખ્યાત લેખક અને ચિંતક ગુણવંત શાહને મળવાનો મોકો મળ્યો હતો. એમણે મને એક સરસ વાત કહી, ‘પૈસા બહોત કુછ હૈ, પર સબ કુછ નહીં.’

રોટી, કપડાં ઔર મકાન જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે આપણને કેટલા પૈસાની જરૂર છે તે સમજી લેવું જોઈએ. સૌની જરૂરિયાત અને માપદંડ અલગ અલગ હોવાનાં. એક વાર આ જરૂરિયાતો સંતોષાઈ જાય પછી સુખ અને માનસિક શાંતિની શોધ જીવનમાંથી જ કરવી જોઈએ, કેમ કે પૈસો આપણને સુખ-શાંતિ આપી શકવાનો નથી.

 

તમામ જવાબદારીઓને પહોંચી વળવા માટે કુલ કેટલાં નાણાંની જરૂર પડશે તે વિશે આપણામાંથી મોટા ભાગના લોકો અજાણ હોય છે. આવું એટલા માટે બને છે કે આપણાં લક્ષ્યો સુધી પહોંચવા માટે કેટલું નાણું જોઈશે તે વિશે આપણે ક્યારેય સ્પષ્ટપણે આંકડામાં ગણતરી માંડી હોતી નથી. તેથી બને છે એવું કે જરૂરિયાત પૂરતું ભંડોળ એકઠું થઈ ગયું છે કેમ કે તે આપણને સમજાતું નથી. આટલાં નાણાં કમાઈ લીધાં પછી હજુય પૈસા પાછળ દોડવાની જરૂર છે કે નહીં તે આપણે નક્કી કરી શકતા નથી. વર્ષો વીતતાં આપણને પૈસા પાછળ દોડવાની એવી ટેવ પડી જાય છે કે પૈસાની આવશ્યકતા માત્ર મૂળભૂત જરૂરિયાતો સંતોષવા પૂરતી છે, એનાથી વધુ કશાય માટે નહીં તે હકીકત ભુલાઈ જવાય છે.

જો જીવનમાં પરમ આનંદ ઈચ્છતા હોઈશું તો આપણે સુખ અને શાંતિ પાછળ દોડવું જોઈએ.                                                                 

યોગિક વેલ્થ

વસિયતનામું એ ડેથ-વૉરંટ નથી. તે આપણા જીવનની આર્થિક તવારીખ છે. સમયસર વસિયતનામું બનાવી લેવું જેથી આપણા સ્વજનો આપણે કમાયેલી આર્થિક તેમ જ સામાજિક સંપત્તિને માણી શકે.