નવી દિલ્હીઃ વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ અને વોન્ટેડ આતંકવાદી અર્જુનમંદ ગુલઝાર ઉર્ફે બુરહાન હમઝાની હત્યા થઈ ગઈ છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) માં અજ્ઞાત બંદૂકધારીઓએ તેને ગોળી મારી દીધી હતી. પુલવામા હુમલા બાદથી હમઝા ISIની સીધી છત્રછાયા અને સુરક્ષા હેઠળ કામ કરી રહ્યો હતો.
હમઝા પર ભારત સરકારે UAPA (આતંકવાદ વિરોધી કાયદો) લગાવ્યો હતો. તે પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં ISIની અત્યંત ચુસ્ત સુરક્ષા વચ્ચે રહેતો હતો. ત્યાં જ તેના પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ રાવલપિંડીની મિલિટરી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.
ISI માં હમઝાનો સૌથી નજીકનો અને મુખ્ય હેન્ડલર કર્નલ રિઝવાન નામનો એક અધિકારી હતો. કર્નલ રિઝવાન સાથે હમઝાના ખૂબ જ ગાઢ સંબંધો હતા. કર્નલ રિઝવાન જ હમઝાને ભારતીય સરહદ વિરૂદ્ધ આતંકી ષડયંત્રો રચવા માટે દિશા-નિર્દેશો આપતો હતો. આ હેન્ડલર તેને પાકિસ્તાની સ્ટેટ લેવલની સુરક્ષા અને વીઆઈપી ગાડીઓ પણ પૂરી પાડતો હતો.
માચિસ ફેક્ટરીને બનાવ્યો હતો અડ્ડો
મુઝફ્ફરાબાદમાં હમઝા અને તેના સાથીઓનું સૌથી મોટું ઠેકાણું એક ઔદ્યોગિક વિસ્તાર (ઇન્ડસ્ટ્રિયલ કોમ્પ્લેક્સ) હતું, જે સ્થાનિક સ્તરે 'માચિસ ફેક્ટરી' (દિવાસળીના કારખાના) તરીકે ઓળખાતું હતું. આ માચિસ ફેક્ટરી વાસ્તવમાં કોઈ સામાન્ય કારખાનું નહોતું, પરંતુ કાશ્મીર ઘાટીમાં અશાંતિ ફેલાવવા અને આતંકી પ્રવૃત્તિઓને ફંડિંગ પૂરું પાડવાનો સૌથી મોટો અડ્ડો હતો.
હમઝા આ માચિસ ફેક્ટરીમાંથી અલ-બરાકના પૂર્વ કમાન્ડર ફારુક કુરેશી સાથે મળીને કામ કરતો હતો. ફારુક કુરેશીનું નામ સુરક્ષા એજન્સીઓના ડોઝિયર (દસ્તાવેજો) માં ડ્રગ્સની તસ્કરી, નકલી ભારતીય ચલણ (કરન્સી), હથિયારોની તસ્કરી અને કાશ્મીર ઘાટીમાં સરહદ પારથી થતા આતંકી ઓપરેશન્સમાં સતત આવતું રહ્યું છે. આ બંને આ જ 'માચિસ ફેક્ટરી' ના કમ્પાઉન્ડમાં બેસીને ઘાટીમાં હથિયારો અને નશીલા પદાર્થોની સપ્લાયનું આખું નેટવર્ક ચલાવી રહ્યા હતા.