Fri Apr 24 2026

Logo

પંજાબમાં 560 દિવસ બાદ મોબાઈલ ટાવર પરથી નીચે ઉતર્યા ગુરજીત સિંહ ખાલસા: અનોખા વિરોધનો આવ્યો અંત

2026-04-24 20:38:58
Author: Mumbai Samachar Team
Article Image

સમાનાઃ પંજાબમાં અપવિત્ર ઘટનાઓ માટે કડક કાયદાની માંગણીને લઇને લગભગ ૫૬૦ દિવસથી ૪૦૦ ફૂટ ઊંચા બીએસએનએલના મોબાઇલ ટાવર પર બેઠેલા કાર્યકર્તા ગુરજીત સિંહ ખાલસાને આખરે આજે સવારે નીચે ઉતારવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ ઘટનાક્રમ સાથે ગુરુ ગ્રંથ સાહિબના અપમાન માટે કડક સજાની માંગ કરી રહેલા ખાલસા(૪૩)ના અનોખા અંદાજ સાથે કરવામાં આવી રહેલા વિરોધનો અંત આવ્યો હતો. તેમણે ૧૨ ઓક્ટોબર ૨૦૨૪ના પટિયાલા નજીક સમાનામાં એક ટાવર પર ચઢીને પોતાનો વિરોધ શરૂ કર્યો હતો. 
પટિયાલાના એક ફાયર અધિકારીએ જણાવ્યું કે ફાયર ફાઇટર, પોલીસ અને સિવિલ અધિકારીઓની એક ટીમે ખાસ ક્રેન-લિફ્ટ(ટર્નટેબલ સીડી)ની મદદથી તેમને નીચે ઉતાર્યા હતા.

કાર્યકર્તાએ ટાવર પરથી નીચે ઉતરતી વખતે નીચે ઊભેલા તેમના સમર્થકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. તેમને ટાવર પરથી નીચે ઉતાર્યા પછી તબીબી તપાસ માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. 

દરમિયાન તેમના સમર્થકોએ તેમના પર ફૂલોનો વરસાદ કર્યો હતો. પટિયાલા જિલ્લાના ખેરી નગૈયાં ગામના રહેવાસી કાર્યકર્તાએ જમીન પર પગ મૂકતા કહ્યું કે 'આપણે જીતી ગયા છીએ.'