Mon May 25 2026

Logo

ઉના તાલુકાના કોબ ગામના કુખ્યાત યાગી ગેંગ વિરુદ્ધ GUJCTOC  ગુજસીટોક હેઠળ લીડર સહિત 7 સભ્ય સામે ગુનો દાખલ

2026-05-20 20:26:37
Author: Pooja Shah
Article Image

ઉનાઃ તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં આતંક મચાવતી કુખ્યાત યાગી ગેંગ વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉના, નવાબંદર,કોડીનારઅનેસોમનાથમરીનવિસ્તાર માં છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય રહી ગુના અને પ્રોહિબિશનના ગુના આચરતી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેંગ લીડર નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણીયા સહિત કુલ 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.

જુનાગઢ રેન્જ ડી. આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક  જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીઓ સામે ઝુંબેશ ચલાવાઈ રહી છે. એસ.પી. જાડેજાની સૂચના મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી. રાજપુત,ઇન્ચા. પો.ઇન્સ. એ.સી. સિંધવ તથા પો. સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા દ્વારા અતિગુપ્ત રાહે તપાસ કરી ઇ-ગુજકોપ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી.

તપાસમાં બહાર આવ્યું કે નવાબંદર મરીન, ઉના, કોડીનાર તથા સોમનાથ મરીન હદ વિસ્તારમાં અમુક ગુનેગાર ઇસમોએ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના સાગરીતો સાથે મળીને ગંભીર ગુનાઓ આચરવા માટે સંગઠિત ટોળકી બનાવી હતી. જેના આધારે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે એક્ટ-2015 ની કલમ-3(1)ની પેટા કલમ-(2) તથા કલમ-3(2) તથા કલમ-3(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક  મહાદેવ ચૌધરી ચલાવી રહ્યા છે.

આ ટોળકીનો મુખ્ય ગેંગ લીડર નરેન્દ્ર સામે પોલીસ રેકોર્ડ મુજબ છેલ્લા 10 વર્ષમાં કુલ 19 ગુના નોંધાયેલા છે. તેણે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને અનેક ગંભીર ગુનાઓ આચર્યા છે. ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં સંગઠિત ગુના આચરનાર કોઈને પણ છોડવામાં આવશે નહીં. ફરાર આરોપી રવિભાઈ બાંભણીયા અને કિર્તીભાઈ બાંભણીયા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે. નાગરિકોને બાતમી આપવા અપીલ કરવામાં આવી છે.

સમગ્ર ગુનેગાર સામે એલ સી બી ના પીઆઇ એસ.વી. રાજપુત પી એસ આઈ એ.સી. સિંધવ પી એસ આઈ એચ.એલ. જેબલીયા સહિત સ્ટાફે કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓમાં ફફડાટ ફેલાયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા આવા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ ચાલુ રહેશે તેવું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.