Fri May 01 2026

Logo

અમેરિકામાં ફસાયેલા ગુજરાતીઓ વતન પાછા ફરવા ક્રાઉડ ફંડિંગના શરણે

2026-03-11 12:28:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ ટ્રમ્પે અમેરિકામાં વસતા ગેરકાયદે લોકો સામે લાલ આંખ કરી છે. જે અંતર્ગત ઘણા ગુજરાતી સહિત ભારતીયોને સ્વદેશ ધકેલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જે લોકો રહી ગયા છે, તેમની પાસે બે ટંક ખાવાના પણ ફાંફા છે અને આર્થિક સ્થિતિ પણ કથળી છે. આ સ્થિતિમાં અમેરિકામાં ફસાયેલા ગુજરાતીઓ વતન પાછા ફરવા ક્રાઉડ ફંડિંગના શરણે ગયા છે.

ગુજરાતના જે સમુદાયો અગાઉ ઉજ્જવળ ભવિષ્યની શોધમાં પોતાના સભ્યોને અમેરિકા મોકલવા માટે 'ક્રાઉડ ફંડિંગ' (સામૂહિક ફાળો) કરતા હતા, તેઓ હવે ડિપોર્ટ થયેલા લોકોને ઘરે પાછા લાવવા માટે નાણાં એકત્ર કરી રહ્યા છે. ‘હેલ્પિંગ એમ.કે. પટેલ રીબિલ્ડ આફ્ટર ડિપોર્ટેશન’ શીર્ષક હેઠળના ઓનલાઈન પેજ પર અત્યાર સુધીમાં સાત દાન દ્વારા $100,000 ના લક્ષ્યાંક સામે માત્ર $275 એકત્ર થયા છે.

ક્રાઉડ ફંડિંગનો શું છે હેતુ

અપીલમાં જણાવ્યા મુજબ, પટેલ પોતાના પરિવારને ટેકો આપવાની આશા સાથે ઓહાયો ગયા હતા, પરંતુ ત્યાં પહોંચ્યાના ત્રણ મહિનામાં જ અમેરિકાના ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી અને બાદમાં ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા. આ અચાનક અટકાયત અને દેશનિકાલને કારણે પરિવાર પર માનસિક તણાવ અને ગંભીર આર્થિક મુશ્કેલી આવી પડી હતી. અપીલમાં લખ્યું છે કે, તેઓ એક મહેનતુ અને પ્રેમાળ વ્યક્તિ છે જે પરિવારને મદદ કરવાના સપના સાથે અહીં આવ્યા હતા. આ ભંડોળનો હેતુ તેમને ભારતમાં ફરીથી જીવન શરૂ કરવામાં અને આ પરિસ્થિતિથી પ્રભાવિત પરિવારના સભ્યોને ટેકો આપવાનો છે.

રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર હેઠળ ગેરકાયદેસર રહેતા લોકો વિરુદ્ધ કાર્યવાહી તેજ થતાં આવા ફંડરેઝિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. અટકાયત અથવા દેશનિકાલનો સામનો કરી રહેલા અનેક ગુજરાતીઓ આર્થિક મદદ માટે સામુદાયિક નેટવર્ક અને ઓનલાઈન પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે. આ નાણાંનો ઉપયોગ મુસાફરીના ખર્ચ, કાનૂની ખર્ચ અને પાછળ રહી ગયેલા પરિવારોને મદદ કરવા માટે કરવામાં આવે છે.

બદલાયો છે ટ્રેન્ડ

સૂત્રોના કહેવા પ્રમાણે, પહેલા વિવિધ સમાજો લોકોને અમેરિકા મોકલવા માટે પૈસા ભેગા કરતા હતા પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. પરિવારો હવે સત્તાવાળાઓની કાર્યવાહી પછી પોતાના પ્રિયજનોને પાછા લાવવા માટે ફંડ ઉઘરાવી રહ્યા છે. જો કોઈને ડિટેન્શન સેન્ટરમાંથી સત્તાવાર રીતે ડિપોર્ટ કરવામાં આવે, તો સત્તાવાળાઓ મુસાફરીનો ખર્ચ ભોગવે છે. પરંતુ, જો કોઈ સેલ્ફ-ડિપોર્ટેશન પસંદ કરે, તો તેમણે ટિકિટની વ્યવસ્થા અને ખર્ચ જાતે કરવો પડે છે.

મહેસાણાનો કિસ્સો: અમેરિકામાં ગેરકાયદે ગયેલા મહેસાણાના એક વ્યક્તિ સામે બે મહિનાથી ડિપોર્ટેશનની કાર્યવાહી ચાલી રહી છે તેમની પત્ની અને બાળકો હજુ અમેરિકામાં છે, જ્યારે ગુજરાતમાં રહેતા પરિવારે રહેવાના ખર્ચ માટે 25 લાખ રૂપિયાની મદદ માંગતી ઓનલાઈન ઝુંબેશ શરૂ કરી છે.

ગાંધીનગરનો કિસ્સો: 2022માં મેક્સિકો થઈને અમેરિકા ગયેલા ગાંધીનગરના એક શખ્સને તાજેતરમાં ડિપોર્ટ કરાયો હતો. તેમણે આ મુસાફરી માટે 50 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. હવે કોઈ આવક ન હોવાથી તે દેવું ચૂકવવા સામુદાયિક જૂથોની મદદ માંગી રહ્યો છે.

સામાન્ય રીતે ગુજરાતીઓ અમેરિકામાં સ્થાયી થયાના બે-ત્રણ વર્ષમાં લોન ચૂકવી દેતા હોય છે, પરંતુ હવે જેઓ ડિપોર્ટ થઈ રહ્યા છે તેઓ કોઈ પણ બચત વિના પાછા ફરી રહ્યા છે અને તેમના પર આર્થિક દબાણ સતત વધી રહ્યું છે. જેના કારણે ક્રાઉડ ફંડિંગની અપીલ પણ વધી રહી છે.