અમદાવાદઃ જેલમાંથી ભાગી ગયેલા કે પેરાલ પર છૂટ્યા બાદ રફુચક્કર થઈ ગયેલા ઘણા કેદીઓ અલગ સ્વાંગ રચી બીજા રાજ્યોમાં છુપાઈને રહેતા હોય છે, પરંતુ ગુજરાતના હત્યાના કેસના વૉન્ટેડ આરોપીએ માત્ર નામ બદલી પોતાના ચહેરાને સહારે હિન્દી તેમ જ ગુજરાતી ફિલ્મોમાં રોલ ભજવી લીધા અને કોઈને ખબર સુદ્ધાં ન પડી. જોકે તેની આ ફિલ્મનો ધ એન્ડ થઈ ગયો કારણ કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો.
ઘટનાની બહાર આવેલી વિગતો અનુસાર વર્ષ 2005માં હેમંત મોદી નામના એક શખ્સે નરોડા વિસ્તારમાં એક હત્યા કરી હતી અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ તેનાં છૂટાછેડા પણ થયા હતા અને તે જેલમાં જ જીવન વિતાવતો હતો. દરમિયાન વર્ષ 2014માં તેને કોર્ટે પેરોલ આપ્યા હતા. જોકે પેરાલો પૂરા થયા બાદ તે ફરી જેલમાં જવાને બદલે ફરાર થઈ ગયો અને મુંબઈ ભાગી ગયો.
મુંબઈ આવી તે સ્ટ્રગલિંગ એક્ટર સ્પંદન મોદી બની ગયો અને ઘણી ફિલ્મો, ટીવી સિરિયલ અને નાટકોમાં તેણે કામ કર્યું. આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, રણવીર સિંહની જયેશભાઈ જોરદાર, 53મું પાનું, કોઠી-1947, ફુલસ્ટોપ, લાલી જેવી ફિલ્મોમાં તેણે જૂનિયર આર્ટિસ્ટ તરીકે રોલ કર્યા હતા.
અહીં 12 વર્ષ તે રહ્યો, પરંતુ પોલીસ સહિત કોઈને ભનક ન પડી. થોડા દિવસો પહેલા અમદાવાદ પોલીસને બાતમી મળી હતી કે ફરાર આરોપી હેમંત મોદી અમદાવાદ આવી રહ્યો છે. પોલીસે વૉચ ગોઠવી ઘી કાંટા મેટ્રો સ્ટેશન પરથી તેને દબોચી લીધો હતો. પહેલા તો તેણે પોતે હેમંત નહીં પણ સ્પંદન હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પોલીસ પૂછપરછમાં ભાગી પડ્યો હતો. જોકે 12 વર્ષ સુધી હત્યાનો ફરાર આરોપી આ રીતે મોટા પદડાથી માંડી ટીવી અને સ્ટેજ પર દેખાતો રહ્યો અને પોલીસની નજરથી બચી ગયો તે વાતથી પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી.