Mon Sep 07 2026

Logo

અમદાવાદ સહિત ગુજરાતમાં ચઢ્યો ગરમીનો પારો, જાણો મહારાષ્ટ્ર સહિત દેશનું હવામાન

2026-02-23 08:27:00
Author: Mayur Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં ચઢ્યો ગરમીનો પારો, જાણો મહારાષ્ટ્ર સહિત દેશનું હવામાન

 

અમદાવાદઃ ગુજરાતમાં હાલે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં સવારે આબુ જેવો માહોલ સર્જાયો હતો. રાજ્યમાં દિવસ અને રાત્રિનું તાપમાન વધી રહ્યું છે. જેના પરિણામે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આ ઉપરાંત, આગામી ૩ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, ત્યારબાદના દિવસોમાં તેમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદ અને તેની આસપાસના પડોશી વિસ્તારોમાં આકાશ મોટેભાગે એકદમ સ્વચ્છ રહેશે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગ મુજબ,  રાજ્યમાં પવનનું જોર બે દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે. 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા  છે. તેની અસર રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનુભવાઈ શકે છે. 15 માર્ચ બાદ પણ હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે.

મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ક્યારેક ઉનાળો, ક્યારેક ઠંડી તો વળી ક્યારેક કમોસમી વરસાદ જેવી સ્થિતિ સર્જાઈ છે.  ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે, પરંતુ વરસાદ હજુ પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની શક્યતા છે. વિદર્ભ અને મરાઠવાડા સહિત રાજ્યના અન્ય ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.

દેશના અન્ય રાજ્યોના હવામાન પર એક નજર
ઉત્તર પશ્ચિ ભારતમાં ફરી એક વખત હવામાન બદલાયું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં પારો ચઢવાથી દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ તાપમાન સતત વધી રહ્યું છે અને આ કારણે ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક સપ્તાહ સુધી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં એક હળવું દબાણ બની રહ્યું છે. જેના કારણે આજે અને આવતીકાલે ઓડિશા, પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો, આસામ, મેઘાલય અને તેલંગાણામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.