Fri Sep 04 2026

Logo

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 7 દિવસ કયા-કયા જિલ્લામાં વરસાદની આગાહી, જાણો વિગત

2026-06-27 14:18:00
Author: Mayur Patel
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 7 દિવસ કયા-કયા જિલ્લામાં વરસાદની આગાહી, જાણો વિગત

અમદાવાદઃ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા 7 દિવસ વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. હવામાન વિભાગે, આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર્રના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સર્જાયેલા દબાણના કારણે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ શકે છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત તેમજ દેશના અન્ય કેટલાક રાજ્યોમાં વધુ આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિ છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, છેલ્લા 24 કલાકમાં  નર્મદામાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેથી સાગબારા દેડિયાપાડા વિસ્તારની જંગલ વિસ્તારની નદીઓમાં પૂર આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ પહેલા એટલે કે 24 જૂને ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે. આજની તારીખે હજુ પણ ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો નથી. રાજ્યના 54 તાલુકામાં હજુ સુધી બિલકુલ વરસાદ નોંધાયોનથી. જ્યારે 177 તાલુકામાં 2 ઇંચ સુધીનો હળવો વરસાદ વરસ્યો છે.  રાજ્યના 28 તાલુકામાં 2 થી 5 ઇંચ સુધીનો મધ્યમ વરસાદ પડી ચુક્યો છે.