Sat Jun 27 2026

Logo

મુંબઈમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: લોકલ ટ્રેન હત્યાકાંડના 48 કલાકમાં જ માહિમ સ્ટેશન બહાર યુવક પર છરીથી જીવલેણ હુમલો

2026-06-27 15:14:00
Author: Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈની ચાલતી લોકલ ટ્રેનમાં નોકરીએથી પરત ફરી રહેલા 22 વર્ષીય મયંક લોહારની નજીવી બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરી દેવાની સનસનાટીભરી ઘટના હજુ તાજી જ છે, ત્યાં તેના માત્ર 48 કલાકની અંદર જ શહેરમાં છરીબાજીની અન્ય એક ખોફનાક ઘટના સામે આવી છે. માહિમ સ્ટેશનની બહાર બનેલી આ ઘટનાને કારણે હવે મુંબઈગરાઓની જાહેર સલામતી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ગુરુવારે મોડી રાત્રે માહિમ રેલવે સ્ટેશનની બહાર ફૂટપાથ પર એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. 35 વર્ષીય પીડિત નવીન પ્રસન્ના લોઅર પરેલમાં આવેલી એક એડવર્ટાઈઝિંગ અને ટેક્નોલોજી ઓફિસમાં ઓફિસ બોય તરીકે કામ કરે છે. ગુરુવારે રાત્રે આશરે 10.15 વાગ્યે તે પોતાની નોકરી પતાવીને લોકલ ટ્રેન દ્વારા માહિમ સ્ટેશન આવ્યો હતો.

સ્ટેશનની બહાર નીકળીને જ્યારે તે ફૂટપાથ પર ચાલી રહ્યો હતો, ત્યારે આકસ્મિક રીતે એક અજાણ્યા શખ્સ સાથે તેનો ખભો અથડાયો હતો. આ સામાન્ય અથડામણ બાદ આરોપીએ હંગામો મચાવ્યો અને દાવો કર્યો કે અથડાવાને કારણે તેનો મોબાઈલ હાથમાંથી પડીને તૂટી ગયો છે. આરોપીએ નવીન પાસે તાત્કાલિક નુકસાનીના વળતરની માંગણી કરી હતી. જ્યારે નવીને વળતર આપવાનો ઇનકાર કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે નવીન પર એક પછી એક અનેક ઘા ઝીંકી દીધા હતા. હુમલો કર્યા બાદ આરોપી ભીડનો લાભ ઉઠાવીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

માહિમ પશ્ચિમની પિતામ્બર લેનનો રહેવાસી નવીન પ્રસન્ના છરીના ઘા વાગવાને કારણે લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે સાયન હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પીડિતના ભાઈએ જણાવ્યું કે, તેના ભાઈને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તે હોસ્પિટલમાં લગભગ ૧૫ કલાક સુધી બેભાન રહ્યો હતો.

આ મામલે માહિમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023 હેઠળ હત્યાનો પ્રયાસ, ગુનાહિત ધાક-ધમકી અને શાંતિ ભંગ કરવાના ઈરાદાથી ઉશ્કેરણી કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે આરોપી કદાચ ડ્રગ્સ અથવા નશાનો વ્યસની છે. લોકલ ટ્રેન નેટવર્કનો ઉપયોગ કરીને જ આરોપી ભાગી છૂટ્યો હોવાની શક્યતા છે. સ્ટેશન આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને પોલીસ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.