(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. માર્ચ મહિનાના પહેલા પખવાડિયામાં તાપમાનનો પારો અચાનક 41-42 ડિગ્રીએ પહોંચ્યા પછી રિવર્સમાં ઘટાડો નોંધાવવાની સાથે કમોસમી વરસાદે ગરમીમાંથી મુક્તિ આપી છે, પરંતુ પાકપાણી પર અસર થઈ શકે, જેનાથી ખેડૂતોની ચિંતા વધારી છે.
આજે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટ શહેર અને ભેંસાણમાં 1.38 ઇંચ નોંધાયો હતો. બગસરામાં 0.87 ઇંચ, ધોરાજી અને ઓખામંડળમાં 0.79 ઇંચ, ઉપલેટામાં 0.67 ઇંચ, લોધિકા, મુંદરા અને લાલપુરમાં 0.63 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજકોટમાં કરા પડ્યાં
રાજકોટમાં દરમિયાન અમીન માર્ગ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં વીજ લાઈન પર પડ્યું હતું, જેના કારણે વીજળીનો વાયર તૂટી જતાં નજીકના સબ-સ્ટેશનમાં જોરદાર ધડાકો થયો હતો. રાજકોટમાં કરા પડ્યાં હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. અમુક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, માર્ચ મહિનાના બફારા વચ્ચે કરા પડવાથી ગરમીમાંથી મુક્તિ મળી છે, પરંતુ અન્ય બીમારી અંગે ચિંતા સેવી હતી, જ્યારે અનેક લોકોએ કરા પડેલાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. રાજકોટ સિવાય જિલ્લાના જસદણ, ધોરાજી, જેતપુર અને ગોંડલ પંથકમાં પણ ભારે પવનના કારણે અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.
જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદ પડ્યો હતો, ભારે પવન અને સુરક્ષાના કારણોસર ગિરનાર રોપવે સેવા તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. આ સિવાય અમરેલીના વડિયા અને બગસરા તેમજ જામનગર જિલ્લાના કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો.
કચ્છના નખત્રાણા, લખપત, અબડાસા અને નારાયણ સરોવર પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. મુન્દ્રા પોર્ટ ખાતે પણ ભારે પવનને કારણે અફડાતફડીનો માહોલ જોવા મળ્યા હતા, જેમાં મહાકાય કન્ટેનર પર હવામાં ઉડીને વેરવિખેર થયા હતા, જ્યારે એક જહાજ રસ્સી તોડીને દરિયામાં ફંટાઈ ગયું હોવાનું પણ અહેવાલ હતા.
જોકે, આ કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખેતરોમાં તૈયાર ઊભેલા ઘઉં, જીરું, ધાણા અને ચણા જેવા રવિ પાકોને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, ભારે પવન અને વરસાદને કારણે માલધારીઓનો ઘાસચારો પલળી જતાં પશુપાલકોને પણ આર્થિક ફટકો પડ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ વરસેલા આ માવઠાએ ખેતી અને પશુપાલન ક્ષેત્રે મુશ્કેલીઓ ઊભી કરી છે.