અમદાવાદઃ ગુજરાતમાં સૂકી હવા, ગરમ લૂ અને વધતી ગરમીને લીધે જનજીવનને અસર થઈ છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં પારો 41 અને 42 વચ્ચે ચડ્યો છે. તો બીજી બાજુ ભારતીય હવામાન વિભાગના બુલેટિનમાં 19 એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
૧૯ એપ્રિલથી ૨૦ એપ્રિલ દરમિયાન, ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, પંચમહાલ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના બાકીના ભાગોમાં મુખ્યત્વે શુષ્ક વાતાવરણ રહેશે, તેમ જાણવા મળ્યું હતું.
વરસાદ શરૂ થાય તે પહેલાં, ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં ૧૪ એપ્રિલથી ૧૮ એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની શક્યતા છે. આથી આવનારા બે ત્રણ દિવસોમાં બફારો અને ઉકળાટનું પ્રમાણ વધશે, તેમ નિષ્ણાતો જણાવે છે.
આગામી પાંચ દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના છે. છેલ્લા ૨૪ કલાકમાં, રાજકોટમાં સૌથી વધુ તાપમાન ૪૨.૪ ડિગ્રી નોંધાયું હતું.
રવિવારથી ફરી વાતાવરણમાં પલટો આવવાની આગાહીએ ફરી ખેડૂતોમાં ચિંતા ઊભી કરી દીધી છે. ગુજરાતમાં સમયાંતરે કમોસમી વરસાદના ઝાંપટા પડી રહ્યા છે, જેને કારણે ખેતપેદાશોને નુકસાન થાય છે.