Fri Jun 19 2026

Logo

ગુજરાતમાં ગોઝારો શનિવાર: સુરતમાં બેફામ ડમ્પરે એન્જિનિયરને કચડ્યો, અન્ય બનાવમાં પોલીસ જવાનનું મોત

2026-05-02 20:18:20
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: ગુજરાત માટે શનિવારે ગોઝારો બની રહ્યો હતો. રાજકોટમાં બાળકો ડૂબવાની ઘટના, જૂનાગઢમાં યાત્રાળુઓની બસનો અક્સ્માત તેમજ સુરતમાં સર્જાયેલા બે ગોઝારા માર્ગ અકસ્માતોમાં એક એન્જિનિયર અને પોલીસ કોન્સ્ટેબલે જીવ ગુમાવ્યા હતા. સુરતના અલથાણ વિસ્તારમાં ગોડાદરાના રહેવાસી અને એલ. એન્ડ ટી. કંપનીમાં ડિઝાઇન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય જયેશ બોરસેનું ડમ્પરની અડફેટે મોત નીપજ્યું હતું. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનામાં બેફામ ગતિએ આવતા ડમ્પરે મોપેડ સવાર યુવકને કચડી નાખતા પરિવારનો એકનો એક પુત્ર છીનવાઈ ગયો હતો. આ મામલે પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

બીજી તરફ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર વડોદરાના પાદરા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. (એસઓજી) ના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈનું મોત થયું હતું. ગાંધીનગરના આલમપુર ગામના વતની ભરતભાઈ વડોદરાથી સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર એસટી બસની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કુરચો બોલી ગયો હતો અને કોન્સ્ટેબલનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. પાદરા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.