Wed Jun 17 2026

Logo

ગુજરાતમાં થઈ સાપના ઝેરની ઈ-હરાજી, ધાર્યા કરતા વધુ બોલી લગાવાઈ

2026-02-22 14:52:34
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત સરકારે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા સ્થાપી છે. આ સર્પ સંશોધન કેન્દ્રએ તાજેતરમાં ગુજરાતમાં જોવા મળતી ચાર મુખ્ય ઝેરી સાપની પ્રજાતિઓ—ઈન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સૉ-સ્કેલ્ડ વાયપર—ના લાયોફિલાઇઝ્ડ (પાવડર સ્વરૂપમાં) ઝેરની ઈ-હરાજી કરી હતી. આ હરાજીમાં લાયસન્સ ધરાવતા એન્ટિવેનમ બનાવતા ઉત્પાદકોએ ભાગ લીધો હતો. આ સંસ્થામાં રાખવામાં અને સાચવવામાં આવેલા ઝેરી સાપોમાંથી કાઢેલા ઝેરની ગુણવત્તા એટલી સારી હતી કે, આ ઝેર માટે ધાર્યા કરતા પણ ઉંચી કિંમત મળી હોવાનું રાજ્ય સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. 

સર્પ સંશોધન કેન્દ્રનાં એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, “ઈન્ડિયન કોબ્રાના ઝેર માટે પ્રતિ ગ્રામ રૂ. 40,000ની બેઝ પ્રાઇસ (આધાર કિંમત) નક્કી કરવામાં આવી હતી, પરંતુ અમને પ્રતિ ગ્રામ રૂ.  44,000 મળ્યા. સૉ-સ્કેલ્ડ વાયપરના ઝેર માટે પ્રતિ ગ્રામ રૂ. 50,000ની આધાર કિંમત સામે રૂ. 56,500 મળ્યા. અન્ય પ્રજાતિઓ માટે પણ સારો પ્રતિસાદ મળ્યો અને ઉંચી કિંમત મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

હાલમાં, અંદાજે 460 ઝેરી સાપો અહીં રાખવામાં આવ્યા છે. સાપોની સંભાળ અને ઝેર કાઢવાની પ્રક્રિયામાં વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે છે. આધુનિક ટેક્નોલોજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરની પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પાવડરની હરાજી કરી લાયસન્સ ધરાવતા એન્ટિવેનમ બનાવતા ઉત્પાદકોને આપવામાં આવશે. આ ઉત્પાદકો તેમાંથી જે એન્ટિવેનમ બનાવશે તેને ગુજરાત સરકાર ખરીદી લેશે અને ગુજરાતની વિવિધ હોસ્પિટલોને સર્પદંશની સારવાર માટે એન્ટિવેનમ પુરું પાડશે.

વધુમાં સરકારે જણાવ્યું હતું કે સર્પ સંશોધન કેન્દ્રને આગામી સમયમાં વિશ્વ કક્ષાનું બનાવવા માટેની યોજના ઘડાઇ ચૂકી છે. વલસાડ કલેક્ટર દ્વારા આ સંસ્થાનું કાયમી કેમ્પસ બનાવવા અને તેને સંબધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે 2.25 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આ સંસ્થાને વર્લ્ડ-ક્લાસ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે રૂ.11.68 કરોડનો પ્રસ્તાવ ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. 

દેશમાં એન્ટિવેનમ બનાવવા માટે સાપમાંથી ઝેર કાઢવાની પ્રવૃતિ હાલ તમિલનાડુ સ્થિત ઈરુળા સ્નેક કેચર્સ ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટી લિ. કરે છે. ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર હવે આ કામ કરતી દેશની બીજી સંસ્થા બની છે.