Mon Sep 07 2026

Logo

સુરતમાં પૂરની સ્થિતિ વચ્ચે કયા અધિકારીને સોંપાઈ મોટી જવાબદારી?

2026-07-08 11:50:00
Author: Mayur Patel
સુરતમાં પૂરની સ્થિતિ વચ્ચે કયા અધિકારીને સોંપાઈ મોટી જવાબદારી?

સુરતઃ સુરતમાં 18 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂરની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. શહેરમાં બચાવ અને રાહત કામગીરીને અસરકારક બનાવવા માટે સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

મળતી વિગત પ્રમાણે, સરકારે શાલિની અગ્રવાલને તરત જ સુરત પહોંચીને પૂરની રાહત કામગીરીમાં જોડાવા આદેશ આપ્યો છે. તેઓ પહેલા સુરતના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા હોવાથી અહીંના વિસ્તારો, ડ્રેનેજ સિસ્ટમ અને સરકારી તંત્રને બહુ સારી રીતે જાણે છે. સુરતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે અને તંત્ર બચાવ કામગીરીમાં લાગેલું છે, તેથી આ મુશ્કેલ સમયમાં તેમનો અનુભવ ખૂબ ઉપયોગી સાબિત થશે.

કોણ છે શાલિની અગ્રવાલ

2005 બેચના IAS અધિકારી શાલિની અગ્રવાલે બિહાર યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.  જાન્યુઆરી 2026માં ગુજરાત સરકારે વહીવટી ફેરબદલ કરીને ત્રણ વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની બદલી કરી હતી. જે અંતર્ગત સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, વડોદરા સાથે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના MD તરીકે નિમણૂક કરાઈ હતી.  શાલિની અગ્રવાલ અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને જિલ્લાના કલેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. 

શાલિની અગ્રવાલ તાપી અને ગોધરા જિલ્લામાં ડીડીઓ  તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. ત્યાર બાદ તેઓ તાપી જિલ્લાનાં કલેકટર બન્યાં હતાં તેમજ કોરોના મહામારી દરમિયાન તેઓ વડોદરા કલેક્ટર તરીકે ફરજ બજાવતાં હતાં. શાલિની અગ્રવાલને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. 

આ ઉપરાંત શાલિની અગ્રવાલને રીડિંગ, સ્વિમિંગ, હોર્સ રાઈડિંગ, ટ્રાવેલિંગ, કથક અને રાજસ્થાની ફોક ડાન્સનો શોખ છે. તેઓ IAS પ્રોબેશનર્સને સંબોધન કરવા માટે નિયમિતપણે ઉત્તરાખંડના મસૂરીમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે જાય છે.