ગાંધીનગર: ગુજરાતમાં હાલમાં મહેસૂલ વિભાગ અંતર્ગત જમીન દફતર નિરીક્ષક, વર્ગ-2 સંવર્ગની કુલ 326 જગ્યાઓ મંજૂર થયેલી છે. આ મંજૂર થયેલ મહેકમ પૈકી હાલના તબક્કે 161 જગ્યાઓ ભરાયેલી છે.જ્યારે બાકીની 165 જગ્યાઓ આગામી સમયમાં ભરવામાં આવશે તેમ મહેસૂલ વિભાગ તરફથી વિધાનસભા ગૃહમાં જવાબ આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
ખાલી જગ્યાઓની યોગ્ય સમીક્ષા
આ ખાલી જગ્યાઓ ભરવા સંદર્ભે સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું હતું કે, સરકારી તંત્રમાં જગ્યાઓ ભરાવી અને નિવૃત્તિ કે અન્ય કારણોસર ખાલી થવી એ એક સતત ચાલતી વહીવટી પ્રક્રિયા છે. વહીવટી અનુકૂળતા મુજબ સમયાંતરે આ ખાલી જગ્યાઓની યોગ્ય સમીક્ષા કરવામાં આવે છે.
ખાલી જગ્યાઓ સત્વરે ભરવા માટે પ્રક્રિયા શરૂ
જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ સંવર્ગની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા માટે સીધી ભરતી, બઢતી તેમજ સેમી-ડાયરેક્ટ (બઢતી) જેવી નિયમાનુસારની વિવિધ નીતિઓ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
નાગરિકોને ઝડપી અને સરળ સેવાઓ પ્રાપ્ત થશે
આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાથી તાલુકા કક્ષાએ વહીવટી સેવાઓ વધુ સુદ્રઢ અને સુસંચાલિત બનશે. તમામ સંબંધિત કામગીરી એક જ કાર્યાલય ખાતેથી સંભવ બનતાં તાલુકા મથકે આવતા નાગરિકોને ઝડપી અને સરળ સેવાઓ પ્રાપ્ત થશે. જે વહીવટી કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.