Fri Jun 19 2026

Logo

ગુજરાતમાં જ્ઞાન-વિજ્ઞાનની ક્રાંતિ: 25 લાખથી વધુ મુલાકાતીઓ સાથે ‘જીવંત પ્રયોગશાળા’ બન્યા 4 રિજનલ સાયન્સ સેન્ટર

2026-06-05 12:28:00
Author: Vimal Prajapati
Article Image

ગાંધીનગરઃ ગુજરાતે વિજ્ઞાન અને ટૅકનોલોજીક્ષેત્ર નવી ઉંચાઈઓ આંબી છે. રાજ્યમાં છેલ્લા 12 વર્ષમાં વિજ્ઞાના પ્રસાર અને જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવા માટે 4 જેટલા રિજનલ સાયન્સ સૅન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેની 25.64 લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓએ મુલાકાત લીધી છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલા રિજનલ સાયન્સ સૅન્ટર જાણે મુલાકાતીઓ માટે જીવંત-પ્રયોગશાળા બની રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને કચ્છમાં શરૂ થયેલા રિજનલ સાયન્સ સૅન્ટર વિવિધ પ્રદેશના નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજ્ઞાનપ્રેમીઓની જિજ્ઞાસાને સંતોષી રહ્યા છે. 

ઉત્તર ગુજરાતમાં વૈજ્ઞાનિક ક્રાંતિનું એપીસેન્ટર 

ગુજરાતનાં સ્થાપના દિવસ તારીખ 1લી મે નિમિત્તે વર્ષ 2022ના રોજ પાટણ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના નાગરિકોમાં આ કેન્દ્રએ અનોખું આકર્ષણ જમાવ્યું છે. ઉત્તર ગુજરાતમાં શિક્ષણના કેન્દ્ર તરીકે ઓળખાતા પાટણ ખાતે આવેલા સાયન્સ સેન્ટરની અત્યાર સુધીમાં અંદાજે 14.86 લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓએ મુલાકાત લીધી છે. આ રિજનલ સેન્ટરે 2700થી વધુ શાળાઓને સાંકળી 7 લાખથી વધુ વિદ્યાર્થી-નાગરિકોને વિજ્ઞાન-અભિમુખ બનાવવામાં ચાવીરૂપ ભૂમીકા ભજવી છે. આ સેન્ટરે વિજ્ઞાન ગ્રામ સભા જેવી પહેલ થકી ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓ, ખેડૂતો અને દિવ્યાંગો માટે વિશેષ કાર્યક્રમ આયોજિત કરી વિજ્ઞાનને સર્વસમાવેશક બનાવ્યું છે. એન.એચ.એમ, ગાંધીનગરના તત્કાલિન મિશન ડાયરેક્ટર જે.સી.પંડયાએ કહ્યું કે, ‘પાટણ રિજનલ સાયન્સ સન્ટર તેની અદભૂત માહિતીપ્રદ ગેલેરી થકી વિજ્ઞાનપ્રેમીઓને ઉત્તમ અનુભવ આપી રહ્યું છે’. 

વર્ષ 2025માં નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ વિજેતા આ સેન્ટરમાં 200 કિલોવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં કરી ટકાઉ વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી છે.પાટણ રિજનલ સાયન્સ સૅન્ટર વિજ્ઞાનનું ઉદ્દીપક બન્યું  છે. અહીં 890થી વધુ વર્કશોપ, 579 વૈજ્ઞાનિક વ્યાખ્યાન-માળા, 1900થી વધુ વિજ્ઞાન-શો  અને ડીએનએ, રોબોટિકસ્, હાઈડ્રોપોનિક્સ, મેટાટ્રોનિક્સના હેન્ડ્સઓન અભ્યાસક્રમ પૂર્ણ કર્યાં છે. 
 
ભૂજ રિજનલ સાયન્સ સૅન્ટરે સરહદ સુધી વિજ્ઞાનની જ્યોત પહોંચાડી

પીએમ મોદીના હસ્તે ઓગસ્ટ, 2022ના આ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ થયું હતું. ભુજીયા ડુંગરની તળેટીમાં વસેલું આ કેન્દ્રની મુલાકાત 1100થી વધુ શાળાઓના 1.37 લાખથી વધુ વિદ્યાર્થીઓ લઈ ચૂક્યા છે. આજદિન સુધી અંદાજે 2.57 લાખથી વધુ દેશ-વિદેશના નાગરિકોએ મુલાકાત લીધી છે, જેમાં નાઈજેરિયા, ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસએ અને સાઉદી અરેબિયા જેવા દેશોના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. 

અહી 6 અદભુત ગેલેરીઓ, 3D મૂવી, મરીન અને સબમરીન સિમ્યુલેટર આવેલું છે. આ સેન્ટર બાળકો માટે પણ પ્રવૃત્તિઓ ચલાવે છે. અહીં સમર વર્કશોપમાં 2500થી વધુ બાળકોને ફન વિથ ફિઝિક્સ, એસ્ટ્રોનોમી, મેન્ટલ મેથ્સ અને ઓરિગામીનો પરિચય કેળવવાની તક પૂરી પાડવામાં આવી. તારીખ 25 ડિસેમ્બર, 2024ના રોજ અહિયાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં 24 ઈંચ ટેલિસ્કોપ દ્વારા અત્યાર સુધીમાં 3500થી વધુ નાગરિકોએ અવકાશના રહસ્યોનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

સૌરાષ્ટ્રમાં અનુભવ આધારિત શિક્ષણનું ગ્રીન મોડલ

ભાવનગર ખાતે સપ્ટેમ્બર, 2022માં શરૂ થયેલું રિજનલ સાયન્સ સેન્ટર 20 એકરમાં વિસ્તરેલું છે. અત્યાર સુધી અંદાજે 2.90 લાખથી વધુ વિદ્યાર્થીઓ-નાગરિકો આ સેન્ટરની મુલાકાત લઈ ચૂક્યા છે. અહીં મરીન, ઑટોમૉબાઈલ, બાયોલૉજી, ઇલેક્ટ્રો-મિકેનિક્સ અને નોબેલ પ્રાઈઝની થીમ પર આધારિત પાંચ ગેલેરીઓ ઉપલબ્ધ છે. આ ગેલેરીઓમાં વર્ચ્યુઅલ રિયાલિટી સિમ્યુલેટર, વિશાળ એક્વેરિયમ, પીઝો ઇલેક્ટ્રિક ફ્લોર અને ઇન્ટરેક્ટિવ પઝલ ઝોન આવેલા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ STEM, AI, રોબોટિક્સ અને શિક્ષક-તાલીમ આપતું આ કેન્દ્ર 100 kW સોલાર પ્લાન્ટ અને 'ઝીરો વોટર વેસ્ટ' સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન કેમ્પસનું બિરુદ પ્રાપ્ત કરી ચૂક્યું છે.

ઈનોવેશન અને ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીનું હબ

2022ના રોજ લોકાર્પણ કરવામાં આવેલા રાજકોટ રિજનલ સૅન્ટર હાઉ સ્ટફ વર્ક્સ, રોબોટિક્સ, મશીન એન્જિનિયરિંગ, ગ્લાસ એન્ડ સિરામિક, નોબેલ પ્રાઈઝ અને લાઈફ સાયન્સ જેવી 6  થીમ આધારિત ગેલેરી ધરાવે છે. લગભગ 1.67 લાખથી વધુ વિદ્યાર્થીઓએ અને અંદાજે 3.64 લાખથી વધુ મુલાકાતીઓ અહીં વિજ્ઞાન-જગતના રહસ્યો જાણ્યા-માણ્યા છે. કેમ્પસ ખાતે ઓગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચ્યુઅલ રિયાલિટી(VR), હોલોગ્રામ અને સિમ્યુલેશન ઝોન દ્વારા બાળકોને ડ્રોન ટેક્નોલોજી અને STEM વર્કશોપ જેવી નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીનું શિક્ષણ આપવામાં આવે છે.