અમદાવાદઃ રાજ્યમાં આજથી ત્રણ વરસાદના વધુ એક તોફાની રાઉન્ડની આગાહી છે. આ દરમિયાન આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘમહેર થઈ હતી. છોટાઉદેપુરમાં મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. તમામ તાલુકાઓ પાણી-પાણી થઈ ગયા છે.
ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 106 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સાત તાલુકામાં બે ઇંચથી વધારે, આઠ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. 91 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ
છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 2.83 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 2.83 ઇંચ, છોટાઉદેપુરના કવાંટમાં 2.64 ઇંચ, છોટાઉદેપુરના નસવાડીમાં 2.36 ઇંચ, તાપીના કુકરમુંડામાં 2.17 ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 2.13 ઇંચ, છોટાઉદેપુરમાં 2.09 ઇંચ, પંચમહાલના કાલોલમાં 1.61 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.38 ઇંચ, ડાંગમાં 1.38 ઇંચ, દાહોદના ગરબાડામાં 1.38 ઇંચ, વલસાડના કપરાડામાં 1.06 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.02 ઇંચ , પંચમહાલના મોરવા (હડફ)માં 0.98 ઇંચ, પંચમહાલના ગોધરામાં 0.94 ઇંચ, મહીસાગરના સંતરામપુરમાં 0.94 ઇંચ, ડાંગના સુબીરમાં 0.94 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 0.91 ઇંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલમાં બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ 4 સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. આજે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ તથા ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે. ભારે વરસાદને કારણે ફરીથી પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતાને આધારે અમદાવાદ અને વડોદરામાં તમામ શૈક્ષણિક કાર્યો બંધ રાખવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર સૌથી વધુ રહેશે. જેમાં વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, કપડવંજ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર અને ભરૂચના કેટલાક ગામોમાં 4થી 20 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કડી, કલોલ, પાટણ, સાણંદ, માણસા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વિરામ બાદ સારો વરસાદ નોંધાશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. 6થી 8 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનશે. જો તેનો માર્ગ ગુજરાત તરફ રહેશે તો રાજ્યમાં ફરી પૂર આવી શકે છે. આ ઉપરાંત 14 ઓગસ્ટ સુધીમાં નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર વધશે.