Sun Sep 06 2026

Logo

ગુજરાતમાં 10,000 પોલીસ અધિકારીઓની ટૂંક સમયમાં  ભરતી કરાશે

2026-02-25 17:47:58
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં 10,000 પોલીસ અધિકારીઓની ટૂંક સમયમાં  ભરતી કરાશે

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં  રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ કરતાં કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ 2025-26 માં 10,288  પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ 2024 માં 6319  અને વર્ષ 2025 માં 4781  મળીને કુલ 11,100 પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.વડોદરા શહેરમાં પોલીસ મહેકમની ખાલી જગ્યાઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્યમંત્રી વેકરિયાએ જણાવ્યું કે જાન્યુઆરી-2026માં વડોદરા શહેરમાં 1131 પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે.


434 પોલીસ બિનહથિયારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી 

તેમણે ઉમેર્યું કે વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર રાજ્યમાં  475 બિનહથિયારી PSIની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2025-26માં અંદાજે 659 બિનહથિયારી PSI અને 129 હથિયારી PSI માટે સીધી ભરતીની પ્રક્રિયા હાલ કાર્યરત છે, જે પૂર્ણ થતા વડોદરા શહેરની ઘટ પૂરી કરવામાં આવશે.છેલ્લાં બે વર્ષમાં વડોદરા શહેરમાં 389 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 434 પોલીસ બિનહથિયારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

કોંગ્રેસના શૈલેષ પરમારે સરકારને ઘેરી

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં દાવો કર્યો હતો કે, વડોદરા પોલીસમાં લાંબા સમયથી 2073 જેટલી મહત્વની જગ્યાઓ ખાલી પડી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ડીઆઈજી કક્ષાના અધિકારીઓના પ્રમોશન થઈ ગયા હોવા છતાં હજુ સુધી પોસ્ટિંગ કેમ આપવામાં આવ્યા નથી

રાજ્યમાં પોલીસ દળને મજબૂત કરવા માટે ભરતી 

ગૃહમાં ચર્ચા દરમિયાન મંત્રી કૌશિક વેકરીયાએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પોલીસ દળને મજબૂત કરવા માટે ટૂંક સમયમાં 10,000 પોલીસ અધિકારીઓની ભરતી  કરવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા આ ભરતી પ્રક્રિયા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેનાથી વડોદરા સહિત રાજ્યના અન્ય શહેરોમાં પોલીસની ઘટ દૂર થશે.