Tue Aug 25 2026

Logo

પેટ્રોલ-ડીઝલની અફવા વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવે કેન કે બેરલમાં પેટ્રોલ-ડીઝલ નહીં મળે

2026-03-24 13:13:01
Author: Devayat Khatana
પેટ્રોલ-ડીઝલની અફવા વચ્ચે સરકારનો મોટો નિર્ણય: હવે કેન કે બેરલમાં પેટ્રોલ-ડીઝલ નહીં મળે

અમદાવાદ: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અફવાએ જોર પકડયું છે. રાજ્યના અનેક પેટ્રોલ પંપની બહાર પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. સરકારે આ તમામ અફવાઓએ નકારી કાઢી હોવા છતાં લોકો પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કચેરીએ પરિપત્ર જાહેર કરીને એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. 

રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર, હાલમાં સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી રાજયમાં કોઈ કોઈસ્થળોએ પેટ્રોલ અને ડીઝલનું પેનિક બયીંગ એટલે કે અફવાથી ગભરાઈને ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. રાજ્યના તમામ મુખ્ય ડેપો અને રિફાઈનરીઓ દ્વારા પેટ્રોલ પંપો પર નિયમિત રીતે ઇંધણ પહોંચાડવામાં આવી રહ્યું છે.



પરંતુ સાંપ્રત પરિસ્થિતિમાં પેટ્રોલ પંપ પરથી વેંચાણ કરવામાં આવતાં પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો ખોટી રીતે સંગ્રહ ના થાય તે માટે રાજયના દરેક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ તથા ડીઝલનું વેંચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતું જ સિમિત કરવામાં આવે છે. તે સિવાયના કોઈપણ પાત્ર કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેંચાણ કરી શકાશે નહીં. તેમજ જો કોઈ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે અથવા સંગ્રહખોરી કરશે, તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું વૈશ્વિક પરિસ્થિતિને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે. આપણે સૌએ સાથે મળીને કોઈપણ જાતની અફવામાં દોરાઈને ગેસ, પેટ્રોલ કે કોઈપણની લાઇનમાં રહેવાની જરૂર નથી. કોઈપણને તકલીફ પડે નહિ તેવું કેન્દ્ર સરકાર પણ ધ્યાન આપી રહી છે. રાજ્યમાં ડીઝલ, પેટ્રોલ કે ગેસ કોઈની અછત નથી. બધાને પૂરતું મળી રહ્યું છે અને મળી રહેવાનું પણ છે.