Fri Jun 26 2026

Logo

ડૉલર મજબૂત થતાં ગુજરાતમાં NRI ડિપોઝિટનો નવો ઐતિહાસિક રેકોર્ડ, આંકડો રૂ. 1.17 લાખ કરોડને પાર

2026-06-26 11:23:00
Author: Mayur Patel
Article Image

Ai Image


અમદાવાદઃ રૂપિયા સામે ડૉલર મજબૂત થતાં વિદેશમાં વસતા ગુજરાતીઓએ બેંકોમાં અધધ રૂપિયા ઠાલવ્યા હતા. જેના પરિણામે ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટનો બેઝ રૂ. 1.17 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2026ના અંતે રાજ્યમાં કુલ બાકી NRI ડિપોઝિટ વધીને રૂ. 1.17 લાખ કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષે રૂ. 1.09 લાખ કરોડ હતી. આમ, તેમાં 8.15 ટકાનો વધારો નોંધાયો હતો.

રિપોર્ટ પ્રમાણે, નાણાંકીય વર્ષે 2020માં રાજ્યનો એનઆરઆઈ ડિપોઝિટ પૂલ રૂ. 80,109.21 કરોડ હતો. જેની સરખામણીએ તેમાં અત્યાર સુધીમાં લગભગ 47 ટકાનો વધારો થયો હતો. જો કે, આ તાજેતરનો વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2025માં નોંધાયેલા 18.16 ટકા ના વધારા કરતાં ધીમો રહ્યો હતો. સૂત્રો આ સતત વૃદ્ધિ પાછળ ગુજરાતના વિશાળ વિદેશી ડાયસ્પોરા, નિયમિત રેમિટન્સ પ્રવાહ અને એનઆરઆઈ દ્વારા બચતનો એક ભાગ ભારતીય બેંકોમાં રાખવાની પસંદગીને જવાબદાર માને છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રૂપિયો નબળો પડવાને કારણે ડૉલર રેમિટન્સનું રૂપિયામાં મૂલ્ય વધી ગયું છે, જેનાથી ભારતમાં ડિપોઝિટ અને રોકાણ વધુ આકર્ષક બન્યા છે. ઘણા એનઆરઆઈ ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ રોકાણ કરી રહ્યા છે, જ્યાં ફંડ પાર્ક કરવામાં આવે છે અને પાછળથી ઉપાડી લેવામાં આવે છે. 

સૂત્રોએ ઉમેર્યું કે આ વધારા પાછળ માત્ર એક્સચેન્જ રેટમાં ફેરફાર જ એકમાત્ર કારણ નથી. નાણાંકીય વર્ષ 2026માં રૂપિયો 10.57 ટકા નબળો પડ્યો હોવા છતાં, NRI ડિપોઝિટ 8.15 ટકા વધી હતી, જ્યારે તેની સરખામણીમાં નાણાકીય વર્ષ 2025માં રૂપિયો માત્ર 2.67 ટકા ઘટી જવા છતાં NRI ડિપોઝિટમાં 18.16 ટકાનો મોટો વધારો થયો હતો.  

આ ટ્રેન્ડ સમગ્ર ભારતમાં નવી NRI ડિપોઝિટ એકત્ર કરવાની ગતિમાં આવેલા ઘટાડાને પ્રતિબિંબિત કરે છે. RBI ના ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2026માં NRI ડિપોઝિટ યોજનાઓમાં, ખાસ કરીને ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ થાપણોમાં પ્રવાહ ધીમો પડ્યો છે. આ પાછળનું કારણ કે ભારત અને વિદેશી બજારો વચ્ચે વ્યાજ દરોનો તફાવત  છે.