રાજકોટઃ નૈઋત્યનું ચોમાસું સામાન્ય રીતે 15 જુન સુધીમાં ગુજરાતમાં સક્રિય થાય છે. ચોમાસાની સિસ્ટમ ગુજરાત પર સ્થાયી થાય ત્યાર પછી વરસાદ આવે છે. પણ આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું શરૂ થાય એવા અણસાર વર્તાય રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ લંબાય એવી શક્યાઓ સેવાઈ રહી છે. મુંબઈ સુધી પહોંચેલું નૈઋત્યનું મુંબઈથી આગળ વધી શક્યું નથી. મુંબઈના દરિયા પર ચોમાસું સીઝનનો આ વર્ષનો ટ્રફ અટવાતા મહાનગરના ચોક્કસ વિસ્તારમાં જ વરસાદ પડ્યો છે. આવનારા એક અઠવાડિયા સુધીમાં ચોમાસું ગુજરાતમાં સક્રિયા થાય એવી કોઈ શક્યતાઓ નથી.
કઈ તરફ ફંટાયું ચોમાસું?
8 જુને મહારાષ્ટ્રમાં પ્રવેશેલું ચોમાસું ગુજરાતના દક્ષિણ પ્રાંતમાં સૌથી પહેલા સક્રિય થાય છે. પણ આ વખતે આ ચોમાસું પૂર્વોત્તરના રાજ્યમાં ફંટાયું છે. ઓડિશા અને ઝારખંડ બાજું તે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં જુન મહિનામાં પણ આકરા ઉનાળા જેવી ગરમી પડી રહી છે. 41 ડિગ્રી જાણે 48 ડિગ્રી હોય એવો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસું વાદળ ક્યાંય જોવા મળતા નથી. નૈઋત્યના પવનો ચોમાસું અને વરસાદ લાવવા માટે જવાબદાર હોય છે. 20થી 30 કિમીની ઝડપથી પવન ફૂંકાય છે અને પછી વરસાદ શરૂ થાય છે. સામાન્ય રીતે આવી સિસ્ટમ જોવા મળે છે. પણ આ વખતે પવનની પાંખે સવાર થઈને વાદળો પણ આવ્યા નથી એટલે વરસાદ પણ ખેંચાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારા ઉપર પણ કોઈ વરસાદી સિસ્ટમ દેખાઈ રહી નથી. મુંબઈથી આગળ વધતા વાપી, વલસાડ, દીવ, દમણ, નવસારી, સુરત, ઓખા, પોરબંદર અને સોમનાથના દરિયાકિનારા આસપાસ માત્ર 30 ટકા જ વાદળ દેખાયા છે. એ પણ વરસાદ માટે જવાબદાર બનશે કે નહીં એ નક્કી નથી.
સૌરાષ્ટ્રમાં વરસાદ મોડો કેમ?
સાંજના સમયે અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભાવનગર જેવા શહેરમાં ઠંડો પવન ફૂંકાય છે. તીવ્ર પવન સાથે સવારે તાપ શરૂ થાય છે. દિવસ આખો ગરમાવો રહ્યો બાદ સાંજ બફારાથી ભરી હોય છે. જુન મહિનામાં અમદાવાદ શહેરનું તપામાન 42 ડિગ્રી, ગાંધીનગરનું 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરનું 41.8 ડિગ્રી, ભાવનગરનું 41.4 ડિગ્રી, રાજકોટનું 40.9 ડિગ્રી, વડોદરાનું 40 ડિગ્રી, રહ્યું છે. તાપ સાથે સાંજના સમયે બફારો લોકોને અકળાવી રહ્યા છે. ખેડૂતોની સાથે આ વખતે લોકો પણ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વાતાવરણ ઠંડુ થાય એ માટે રાહ જોઈને બેઠા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી એકાદ અઠવાડિયા સુધી વરસાદના કોઈ અણસાર નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ મોડેથી શરૂ થશે અને સરેરાશ વરસાદ ગત વર્ષ કરતા ઓછો પડશે. જોકે, છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે પણ એનાથી વાતાવરણમાં ખાસ કોઈ પ્રકારનો ફાયદો થશે નહીં.