ચૂંટણી કાર્ડ નથી? ગભરાશો નહીં! આ પુરાવા બતાવીને પણ કરી શકશો મતદાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આજે ગુજરાતની ૧૫ મહાનગરપાલિકાઓ અને પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન યોજાશે. ૪ કરોડથી વધુ મતદારો ૨૫,૫૩૭ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. રાજ્યના ૪૮,૪૫૦ મતદાન મથકો પર ૯૨,૦૦૦થી વધુ પોલીસ જવાનોના પહેરા હેઠળ આજે મતદાન થશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જનતાને ૧૦૦ ટકા મતદાન કરવા હાકલ કરી હતી.
ગુજરાતની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૧૧ નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે આજે મતદાન થશે. રાજ્ય ચૂંટણી આયોગે મતદાન પ્રક્રિયા દરમિયાન સુરક્ષા માટે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો પર વધારાનું પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યું છે. કુલ 48450 મતદાન મથકો પૈકી 14275ને સંવેદનશીલ અને 2196ને અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે 92583 પોલીસ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઉનાળાની ગરમીને જોતા મતદાન મથકો પર છાંયડા, પાણી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
૨૫,૫૩૭ ઉમેદવારો મેદાનમાં
ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, ૧૫ મહાનગરપાલિકાઓની કુલ ૧૦૪૪ બેઠકો પૈકી ૪૩ બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે બાકીની ૧૦૦૧ બેઠકો માટે ૩૧૪૫ ઉમેદવારો મેદાનમાં છે. ૮૪ નગરપાલિકાઓની ૨૬૨૪ બેઠકોમાંથી ૩૮૫ બેઠકો બિનહરીફ થતા હવે ૨૨૩૮ બેઠકો પર ૫૪૪૧ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. પંચાયતોની વાત કરીએ તો, ૩૪ જિલ્લા પંચાયતોની ૧૦૯૦ બેઠકોમાંથી ૫૨ બેઠકો બિનહરીફ થઈ છે અને ૨૬૦ તાલુકા પંચાયતોની ૫૨૩૪ બેઠકો પૈકી ૨૫૨ બેઠકો બિનહરીફ થઈ છે. તાલુકા પંચાયતની ૩ બેઠકો પર ઉમેદવારોના નિધનને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. એકંદરે તમામ સંસ્થાઓ મળીને કુલ ૨૫,૫૩૭ ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.

4 કરોડ મતદારો કરશે મતદાન
મતદાનના દિવસે મતદારે પોતાની ઓળખ માટે ભારતના ચૂંટણી પંચે આપેલું ફોટો ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. જો કોઈ મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય, તો પાસપોર્ટ, પાનકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ કે બેંક પાસબુક જેવા ૧૪ વૈકલ્પિક દસ્તાવેજો પૈકી કોઈ એક પુરાવો રજૂ કરીને મતદાન કરી શકશે. આજે સવારે ૭:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્યની વિવિધ સંસ્થાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને મતદાન માટે રજા અથવા ત્રણ કલાકની ખાસ રજા આપવાની વ્યવસ્થા કરવા પણ શ્રમ આયુક્ત દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં રાજ્યના 2 કરોડથી વધુ પુરુષ મતદારો અને 1.97 કરોડ જેટલા મહિલા મતદારો તેમજ 848 અન્ય મતદારો મળીને કુલ ૪,૦૮,૧૬,૭૧૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
100 ટકા મતદાન કરવા અપીલ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને 'લોકશાહીના પવિત્ર ઉત્સવ' તરીકે ઓળખાવી રાજ્યના મતદારોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મતદાન એ માત્ર આપણો અધિકાર જ નહીં પરંતુ એક પવિત્ર નાગરિક ફરજ છે. ગામડાથી લઈને શહેર સુધીના સર્વાંગી વિકાસ માટે બેલેટ બોક્સ એ પ્રગતિનું મુખ્ય એન્જિન છે. 'વિકસિત ગુજરાત' થી 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે મુખ્ય પ્રધાને ૧૦૦ ટકા મતદાન પર ભાર મૂક્યો હતો.