ગાંધીનગરઃ જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફુસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય, ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો માટે આ માત્ર ફ્રૂટ નથી, વતનની યાદ છે. લોકો ગમે તેટલા ભાવ આપીને પણ ખરીદવા તૈયાર હોય છે. હવે તો યુરોપિયન પ્રજાને પણ 'ઈન્ડીયન મેન્ગો' નો ચસ્કો લાગ્યો છે.
વિશ્વમાં અને ભારતમાં ઘણા પ્રકારની કેરીઓ મળે છે પણ ગુજરાતીઓ અને વિદેશીઓને માત્ર કેસર કેરી અને મહારાષ્ટ્રની હાફુસ જ ભાવે છે. સૌથી વધુ ડિમાન્ડ કેસર કેરીની છે. ભારતની કેસર તથા હાફુસ જેવી સુગંધ અને મીઠાશ આખી દુનિયામાં ક્યાંય નથી. સાઉથ અમેરિકા, બ્રાઝિલ કે પેરુની કેરીઓ દેખાવમાં લાલચટ્ટક હોય છે પણ સ્વાદમાં અંદરથી ફિક્કી હોય છે, જ્યારે ભારતની કેસર કેરી તો સ્વાદનો રાજા છે.
વૈજ્ઞાનિક પ્રક્રિયા અનુસર્યા બાદ મળે છે બને છે 'ગ્લોબલ પ્રોડક્ટ'
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) દ્વારા માન્યતા પ્રાપ્ત કેરીનાં બગીચાની કેરી અને માન્યતા પ્રાપ્ત પેક હાઉસમાં કેરીની પ્રોસેસિંગ કર્યા બાદ જ તેની નિકાસ કરવામાં આવે છે. બગીચામાંથી નીકળેલી કેરી કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરની "ગ્લોબલ પ્રોડક્ટ" બને છે તેની પ્રક્રિયા રોમાંચક છેય
કેરી જ્યારે બરાબર પાકવા પર આવે ત્યારે તેને સવારના ઠંડા પહોરમાં તોડી પેક હાઉસમાં લાવી સૌથી પહેલું કામ ડી-સેપિંગનું થાય છે. કેરીની ડીંટડીને ઉંધી રાખીને સ્પેશિયલ કન્વેયર બેલ્ટ કે ટ્રે પર રાખવામાં આવે છે જેથી ડીંટડીનો બધો રસ (ચીક) નીકળી જાય. આનાથી કેરી કાળી પડતી નથી અને લાંબો સમય બગડતી નથી. લીલી કેરીને તોડી 48 અંશ સેલ્સિયસ થી 52 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા ગરમ પાણીમાં લગભગ 10 મિનિટ માટે ડુબાડી રાખવામાં આવે છે.
આ પ્રક્રિયાથી કેરીમાં થતો 'એન્થ્રેકનોઝ' (કાળા ડાઘા પડવાનો રોગ) અને સડો ફેલાવતી ફૂગ નાશ પામે છે. તેમજ ફળમાખીના ઇંડા અને ઇયળો મરી જાય છે. ગરમ પાણીના કારણે કેરીમાં કુદરતી 'ઇથિલિન' ગેસ સક્રિય થતાં બધી જ કેરીઓ એકસાથે અને એકસરખી રીતે પાકે છે. ગરમ પાણીમાંથી કાઢેલી કેરીને 10 અંશ સેલ્સિયસ થી 15 અંશ સેલ્સિયસ સુધીના ઠંડા પાણીમાં 10 મિનિટ માટે રાખવામાં આવે છે. ત્યારબાદ તેને હવામાં સંપૂર્ણપણે સુકવવામાં આવે છે. ઠંડકને કારણે કેરીનો શ્વસન દર ધીમો પડી જાય છે, જેનાથી કેરી લાંબા સમય સુધી તાજી રહે છે, તેની છાલ કડક રહે છે અને પાક્યા પછી તેનો રંગ ખૂબ જ આકર્ષક અને પીળો દેખાય છે.
ખેડૂતો માટે કમાણીની નવી ક્ષિતિજો
એફ.પી.ઓ.ના માધ્યમથી ખેડૂતો કેરીને સીધી વિદેશમાં પોતાની રીતે જ એક્સપોર્ટ કરીને ડૉલર-પાઉન્ડમાં કમાઈ શકે છે. ખેડૂતો પોતાનું ગ્રુપ કે એફ.પી.ઓ. બનાવીને એકસરખું ઉત્પાદન કરે અને એક્સપોર્ટ કરે તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી અને સહાય કરવામાં આવે છે. આ માટે કોઈ ખેડૂત ભાઈઓને મદદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તેમને પૂરતી મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે. નિકાસકારોના જણાવ્યા મુજબ, માત્ર કેરી જ નહીં પરંતુ 2026 ના ચોમાસા પછી એટલે કે આગામી સપ્ટેમ્બર મહિનાથી ગુજરાતના પ્રીમિયમ શાકભાજી જેવા કે જી–ફોર મરચાં, ભીંડો, કારેલા, તૂરિયા અને ગલકા સહિતની જણસો પણ આ જ આધુનિક પ્રોસેસિંગ સાથે વિદેશી બજારોમાં મોકલવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.