જામનગરઃ ગુજરાતના માત્ર 9 વર્ષના વિહાન ચેતરિયાએ હિમાલયની કઠિન ગણાતી 6,111 મીટર ઊંચી માઉન્ટ યુનામ ચોટી સફળતાપૂર્વક સર કરીને સાહસિક પર્વતારોહણ ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. તારીખ 10 સપ્ટેમ્બરે બિકાટ એડવેન્ચરના નેજા હેઠળ આયોજિત ટ્રેકિંગ અભિયાનમાં વિહાને આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ 6,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર સર કરનાર તે વિશ્વનો બીજો સૌથી નાની વયનો પર્વતારોહક બની ગયો છે.
વિહાન ચેતરિયાએ અતિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં હિંમત દેખાડી
માઉન્ટ યુનામનું આરોહણ કરવું ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે. સખત અને હાડગાળતી ઠંડી, ઓક્સિજનનું ઓછું પ્રમાણ, હાઈ એલ્ટિટ્યુડ સિકનેસ અને વિષમ પર્વતીય વાતાવરણ વચ્ચે પણ વિહાને માનસિક મજબૂતી અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. શિખર પર પહોંચીને તેણે ગૌરવભેર ભારતનો તિરંગો અને જય જય ગરવી ગુજરાતનું બેનર લહેરાવ્યું હતું. વિહાને પોતાની આ સફળતા દેશના પર્વતારોહણ ક્ષેત્ર પ્રત્યે આદર વ્યક્ત કરતા NIMSDAIને સમર્પિત કરી છે.
9 વર્ષનો ગુજરાતનો વિહાન બન્યો વિશ્વનો બીજો યુવા પર્વતારોહક | Mount Yunam Climb | Gujarat Young Mountaineer
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 13, 2026
જામનગરના 9 વર્ષીય વિહાન ચેતરિયાએ હિમાલયનું 6,111 મીટર ઊંચું માઉન્ટ યુનામ સફળતાપૂર્વક સર કર્યું છે. 10 સપ્ટેમ્બરે Bikat Adventuresના અભિયાન અંતર્ગત વિહાને આ સિદ્ધિ મેળવી.… pic.twitter.com/vlCrLgZS38
વિહાનના માતા-પિતાએ યુવા પેઢીને શું સંદેશ આપ્યો?
વિહાનના માતા-પિતા ડૉ. ઉમેદ ચેતરિયા અને દક્ષા ચેતરિયાએ જણાવ્યું કે, વિહાનને નાનપણથી જ પ્રકૃતિ, ટ્રેકિંગ અને સાહસિક પ્રવૃત્તિઓનો શોખ છે. તેઓ તેને માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતો સીમિત રાખવાને બદલે ખુલ્લા વાતાવરણ અને રમતગમત સાથે જોડાયેલો રાખે છે. આજના યુગમાં બાળકો મોબાઈલ અને સ્ક્રીન પર સમય વિતાવવાને બદલે કુદરતના ખોળે અને રમતગમતના મેદાનમાં સમય વિતાવે તે જરૂરી છે. વધુમાં કહ્યું કે, બાળકોમાં નાનપણથી જ સાહસિક વૃત્તિ, શારીરિક તંદુરસ્તી અને મોટા લક્ષ્યો નક્કી કરવાની ટેવ કેળવવી જોઈએ.