Fri Jun 19 2026

Logo

ગુજરાતની જેલોમાં ક્ષમતાથી વધુ કેદીઓ, પેરોલ જમ્પમાં પણ રાજ્ય દેશમાં પ્રથમ

2026-05-22 09:33:00
Author: Mayur Kumar Patel
Article Image

અમદાવાદઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા તાજેતરમાં પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઈન્ડિયા અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતને લઈ ચોંકાવનારી વિગત સામે આવી હતી. વર્ષ 2024માં રાજ્યના જેલ વિભાગે પેરોલ દરમિયાન 201 કેદીઓ ફરાર થયા હોવાનું નોંધ્યું હતું. આ પ્રમાણ દેશના કુલ ફરાર કેદીઓની તુલનામાં 63 ટકા જેટલું હતું. આ સમયગાળામાં દેશની વિવિધ જેલમાંથી 319 કેદીઓ ફરાર થા હતા. આ ઉપરાંત પેરોલમાંથી ફરાર થયેલા કુલ કેદીઓ પૈકી 153 એટલે કે 76 ટકા કેદીઓની ફરી ધરપકડ કરવામાં આવી હતી. જે પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા કેદીની ફરી ધરપકડની દેશમાં સૌથી વધુ ટકાવારી છે. દેશમાંથી કુલ 71.8 ટકા કેદીની ફરી ધરપકડ કરાઈ હતી.

રાજ્યની જેલમાં ક્ષમતાથી વધુ કદીઓ

આ અહેવાલમાં એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે 14,108 કેદીઓની ક્ષમતા સામે રાજ્યની જેલોમાં 17,766 કેદીઓ રાખવામાં આવ્યા હતા, જે ક્ષમતા કરતાં 25.9% વધુ હતા. આ સંખ્યા જેલોમાં ગીચતાના રાષ્ટ્રીય સરેરાશ 10.8% કરતાં વધુ હતી.

કેદીઓની મોટી સંખ્યા હોવા છતાં, અહેવાલમાં ગુજરાતમાં મંજૂર કરાયેલા પદો સામે 54% જગ્યાઓ ખાલી હોવાનો ઉલ્લેખ છે.  જેલ સ્ટાફ માટે 4,608 ની મંજૂર સંખ્યા સામે રાજ્યની જેલોમાં માત્ર 2,128 કર્મચારીઓ જ  હતા, જે 54% સ્ટાફની અછત અથવા 2,480 જગ્યાઓ ખાલી હોવાનું દર્શાવે છે. એક્ઝિક્યુટિવ સ્ટાફમાં સૌથી વધુ ખાલી જગ્યાઓ જેલર અને ડેપ્યુટી જેલર સ્તરે નોંધાઈ હતી. રાજ્યમાં જેલના પ્રત્યેક કર્મચારી દીઠ આશરે આઠ કેદીઓ હતા, જે રાષ્ટ્રીય સરેરાશ જેટલું જ છે.

આ મુદ્દે ઉત્તર પ્રદેશ પછી ગુજરાત બીજા ક્રમે

આ ઉપરાંત રિપોર્ટ મુજબ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં, રાજ્યની જેલોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હોય તેવા 49 ગુનેગારો હતા. આ સંખ્યા ઉત્તર પ્રદેશમાં 141 પછી ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ હતી. અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રમાં 43 અને મધ્ય પ્રદેશ તથા કેરળમાં 35-35 કેદીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.

આજીવન કેદની સજા ભોગવતાં કેદીઓની સંખ્યા કેટલી

રાજયની જેલોમાં કુલ 5,231 દોષિતોમાંથી 65.2% કેદીઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. ટકાવારીની દ્રષ્ટિએ, ઝારખંડની જેલોમાં 76.1% અને તેલંગાણાની જેલોમાં 71.8% પછી આ ત્રીજો સૌથી વધુ હિસ્સો હતો. અહેવાલ મુજબ, આ હિસ્સો રાષ્ટ્રીય સરેરાશ  55.3% કરતા વધુ હતો.

રાજ્યની જેલોમાં કુલ કેદીઓમાંથી 69.2% કાચા કામના કેદીઓ, 29.4% પાકા કામના કેદીઓ  અને 1.4% અટકાયતીઓ હતા. અહેવાલ મુજબ કુલ કાચા અને પાકા કામના કેદીઓમાંથી આશરે 90% કેદીઓ ધોરણ 12 સુધીનું શિક્ષણ ધરાવતા હતા. 5,231 દોષિત કેદીઓમાંથી 367 અન્ય રાજ્યોના હતા, જ્યારે 32 અન્ય દેશોના હતા. તેવી જ રીતે, 12,286 કાચા કામના કેદીઓમાંથી 1,198 અન્ય રાજ્યોના હતા અને 213 અન્ય દેશોના હતા. પ્રોફાઇલ વિશ્લેષણ એ પણ દર્શાવે છે કે 82.4% દોષિતો અને 92.3% કાચા કામના કેદીઓ 50 વર્ષથી ઓછી ઉંમરના હતા.

આ ઉપરાંત એનસીઆરબીના રિપોર્ટ મુજબ, રાજ્યની જેલોમાં બે મહિલા દોષિત કેદીઓ જેલના સળિયા પાછળ બે બાળકો સાથે રહેતી હતી, જ્યારે કાચા કામની મહિલા કેદીઓમાં 30 મહિલાઓ 39 બાળકો સાથે રહેતી હતી.

વિદેશી નાગરિક હોય તેવા દોષિતોમાં 26 પાકિસ્તાનના હતા.  જે ભારતીય રાજ્યોમાં સૌથી વધુ છે.  ત્યારબાદ બાંગ્લાદેશ, પશ્ચિમ એશિયાના દેશો અને નાઇજીરીયાના બે-બે નાગરિકો હતા. વિદેશી નાગરિક હોય તેવા 213 કાચા કામના કેદીઓની રાષ્ટ્રીયતામાં પાકિસ્તાનના 87, બાંગ્લાદેશના 34, નાઇજીરીયાના 19 સહિત આફ્રિકાના દેશોના 29, પશ્ચિમ એશિયાના દેશોના 29, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના છ અને અન્ય દેશો સહિત શ્રીલંકાના ચાર નાગરિકોનો સમાવેશ થાય છે.