ગાંધીનગરઃ રાજ્યમાં સૂર્યનારાયણ જાણે આકરા મિજાજમાં હોય એવો અહેસાસ છેલ્લા પાંચ દિવસથી થઈ રહ્યો છે. હવામાન ખાતાના અનુમાન અનુસાર હજુ ગુરૂવારથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમી તથા બફારાનું પ્રમાણ યથાવત રહેશે. દરિયા પરથી ફૂંકાતા પવનની દિશામાં ફેરફાર થવાના પરિણામે વાતાવરણમાં ભેજ વધ્યો છે. એક દિવસમાં અમદાવાદમાં તાપમાનનો પારો દોઢ ડિગ્રી ઉપર ચડતા લોકો પરેસેવે રેબઝેબ થયા હતા. ગુરૂવારે અમદાવાદ શહેરનું તાપમાન 43 ડિગ્રી રહ્યું હતું, જ્યારે શુક્રવારે અમદાવાદ શહેરનું તાપમાન 44 ડિગ્રી પહોંચે એવી પૂરી શક્યતાઓ છે.
અઠવાડિયા સુધી રહેશે ગરમી
હવામાન ખાતાના રિપોર્ટ અનુસાર આગામી સાત દિવસ સુધી વાતાવરણમાં કોઈ પ્રકારનો મોટો પલટો આવશે નહીં. વાતાવરણ સ્વચ્છ રહેશે. વાદળો દેખાશે નહીં. આનો અર્થ એ થયો કે, હજુ એક અઠવાડિયા સુધી ગરમ પવનનો મારો સહન કરવો પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ઉપર ચડી રહ્યો છે.
બપોરના સમયે જાણે કુદરતી કર્ફ્યૂ લાગ્યો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરૂવારે કંડલામાં 43 ડિગ્રી, અમરેલીમાં 43.1 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી, ગાંધીનગરમાં 42.0 ડિગ્રી, ડીસામાં 41.1 ડિગ્રી, ભૂજમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40.2 અને ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ગરમીનો તાપ ઓછો લાગી રહ્યો છે પણ બફારાના કારણે લોકો અકળાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને કામ વગર બપોરના સમયે ઘરની બાહર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગની નાગરિકોને અપીલ
આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી, છાશ, લીંબુપાણી તથા ઓઆરએસ પીવા માટેની આરોગ્યલક્ષી સલાહ આપવામાં આવી છે. એક અઠવાડિયા સુધી ગરમી રહ્યા બાદ વાતાવરણમાં ફેરફાર આવવાની પૂરી શક્યતાઓ છે. અગનભઠ્ઠી સમાન શહેર બન્યા હોય એવો માહોલ બપોરના સમયે જોવા મળી રહ્યો છે.
સતત સાત દિવસ સુધી હવામાન સુકૂ રહેવાની આગાહી કરવામાં આવી છે. પવન મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાશે અને તેની ગતિ 15થી 20 નોટ્સ સુધી રહી શકે છે જેના કારણે સવારના સમયે થોડી રાહત રહેશે, જ્યારે સૂર્યોદય બાદ ફરી ગરમીમાં વધારો થશે. છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર તથા ભાવનગર જેવા શહેરોમાં દિવસ કરતા રાત કાઢવી મુશ્કેલી બની રહી છે. રાત્રી દરમિયાન પણ બફારો અને ઉકળાટના કારણે સતત વાતાવરણ ગરમ રહે છે.