Mon May 25 2026

Logo

PMની અપીલ પર ગુજરાતના રાજ્યપાલ કરશે ST અને ટ્રેનમાં મુસાફરી, આરોગ્ય પ્રધાને પણ પ્રોટોકોલ ફગાવ્યો!

2026-05-12 22:30:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હીઃ પહેલા હૈદરાબાદ અને પછી વડોદરામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કરેલી 7 અપીલોની સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે "શેઠની શિખામણ ઝાંપા સુધી ન રહે" તે માટે પીએમ મોદીની આ અપીલને અનેક નેતાઓએ પણ અપનાવી છે. સુરતના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલ બાદ હવે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનશેરિયાએ અપનાવી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલને સ્વીકારીને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રવાસ દરમિયાન હેલિકોપ્ટર કે વિમાન સેવાના બદલે એસટી બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં, તેમણે સાયકલ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) વાપરવા અંગે લોકોને અપીલ કરી છે. તેમના પ્રવાસ દરમિયાન હવે કાફલામાં પણ ન્યૂનતમ ગાડીઓ જોવા મળશે, જે સાદગી અને ઉર્જા સંરક્ષણનો મોટો સંદેશ આપે છે.

આ સાથે જ રાજ્યના આરોગ્ય પ્રધાન  પ્રફુલ્લ પાનશેરિયાએ પણ પાયલોટિંગ કારનો ઉપયોગ સદંતર બંધ કરવા તેમજ  ભવિષ્યમાં માત્ર અત્યંત અનિવાર્ય કે આપાતકાલીન પરિસ્થિતિમાં જ આ પ્રોટોકોલનો ઉપયોગ કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે  તાજેતરમાં પાટીદાર સમાજના એક સંમેલન દરમિયાન વડાપ્રધાને  દેશના નાગરિકોને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા કરેલી નમ્ર અપીલને સ્વીકારી રાષ્ટ્રહિતમાં નિર્ણય લીધો છે.  વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધના માહોલ વચ્ચે ભારત પાસે તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં, જો આપણે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો તે સીધી રીતે દેશની આર્થિક પ્રગતિમાં આપણી ભાગીદારી ગણાશે."

વડાપ્રધાનની હાકલને ઝીલી લઈને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે તેમના ઉત્તરાખંડના રૂડકીના પ્રવાસ પૂર્વે રાજ્ય સરકારને સ્પષ્ટ સૂચના આપી હતી કે તેમના પ્રવાસ દરમિયાન પ્રોટોકોલ મુજબ ફાળવવામાં આવતી પાયલોટ કે એસ્કોર્ટ ગાડીઓ રાખવામાં ન આવે. સામાન્ય રીતે કેન્દ્રીય પ્રધાન જ્યારે કોઈ રાજ્યના પ્રવાસે હોય ત્યારે સુરક્ષા પ્રોટોકોલના ભાગરૂપે તેમના કાફલાની આગળ પાયલોટ વાહન અને પાછળ એસ્કોર્ટ વાહનો તૈનાત હોય છે, પરંતુ પાટીલે આ વધારાની ગાડીઓ લેવાનો ઈનકાર કર્યો હતો.