ગાંધીનગર : ગુજરાતના સરકારે માર્ચ માસથી શરૂ થયેલા આકરા ઉનાળા માટે આગોતરું આયોજન હાથ ધર્યું છે. જેમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી મેળવી હતી.
આ વર્ષે પાણીનો જથ્થો 4.15 ટકા વધારે
આ અંગે વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ કુલ 6.46 લાખ MCFT એટલે કે 72 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીનો જથ્થો 4.15 ટકા વધારે એટલે કે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
નર્મદા ડેમમાં 74 ટકા જળસંગ્રહ
ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જ હાલની સ્થિતિએ 74 ટકાથી વધુ એટલે કે 2.47 લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 2.34 લાખથી વધુ MCFT પાણીનો જથ્થો જળાશયોમાં ઉપલબ્ધ છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં 65,179 MCFT, ઉત્તર ગુજરાતમાં 41,842 MCFT,સૌરાષ્ટ્રમાં 53,621 અને કચ્છ વિસ્તારમાં 4392 MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.
આ વર્ષે આકરા ઉનાળાની વહેલી શરૂઆત
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે આકરા ઉનાળાની વહેલી શરૂઆત થઇ છે. જેમાં માર્ચ માસના પ્રથમ 10 દિવસમાં ગરમીનો પારામાં સરેરાશ સાત ડિગ્રીનો વધારો થયો છે. જેના લીધે લોકો અત્યારથી જ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દીવમાં ગરમીએ આ વર્ષે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.