અમદાવાદઃ રાજ્યમાં ગઈકાલે ગણેશ વિસર્જન શાંતિપૂર્વક થયું હતું. આ દરમિયાન રાજ્યમાં બનેલી વિવિધ ઘટનામાં 9 લોકોના ડૂબવાથી મોત થયા હતા. જેના કારણે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
અમરેલીના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે આવેલા ચેકડેમમાં નાહવા ગયેલા ચાર યુવકો પાણીમાં ડૂબી જતાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
ગામના ચેકડેમ ખાતે ચાર યુવકો નાહવા માટે ઉતર્યા હતા, જ્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ ગણેશ વિસર્જન માટે ચેકડેમ પાસેથી પસાર થઈ રહેલા કેટલાક લોકોને કાંઠા પર યુવકોના કપડાં અવાવરૂ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. જેથી શંકા જતાં સ્થાનિકોએ તાત્કાલિક બાબરા પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ કાફલો અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે ઘેડી આવ્યા હતા. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની સંયુક્ત જહેમત બાદ ચેકડેમમાંથી ચારેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકોમાં મોટા દેવળિયા ગામના કનુભાઈ દેવજીભાઈ શિંગાળા તથા સચિનભાઈ કાળુભાઈ શિંગાળા અને નવાગઢ (જેતપુર)ના ભલા પ્રવીણભાઈ જેઠવા તથા કેવિન પ્રવીણભાઈ જેઠવા હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચબંદર દરિયાકાંઠે -ણેયશ મૂર્તિના વિસર્જન વખતે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં 4 યુવકો દરિયાના પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી 3 યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે લાપતા યુવકની શોધખોળ માટે સ્થાનિક તરવૈયાની મદદ લેવામાં આવી હતી. સાત કલાકની શોધખોળ બાદ એકની લાશ મળી હતી. આમ અમરેલી જિલ્લામાં જ પાંચ લોકોના મોત થયા હતા.
વડોદરાના કરજણના પિંગલવાળા ગામે ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઢાઢર નદીમાં વિસર્જન કરવા ગયેલા 3 યુવાનો અચાનક ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા, જેના પરિણામે સદનસીબે 2 યુવાનોનો બચાવ થયો હતો. જો કે, યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
અમદાવાદના બાવળાના બગોદરા શિયાળ રોડ પર આવેલા તળાવમાં ગણપતી પધરાવી નહાવા પડેલા બે કિશોરો ડૂબ્યા હતા. કિશોર ડૂબ્યાની જાણ થતાં SDRFની ટીમ અને સ્થાનિક પોલિસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ડૂબવાની ઘટનામાં એક કિશોરને તરતા આવડતું હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો, જ્યારે બીજો પાણીમાં ગરકાવ થયો હતો.
મોરબી જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. જુના સાદુકલા ગામ નજીક આવેલા મચ્છુ-3 ડેમમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે ડૂબેલા ચાર પૈકી બે લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા. જ્યારે બે લોકોના મોત થયા હતા.