Sun Sep 06 2026

Logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોના પર ઢોળાયો કળશ?

2026-04-06 08:27:00
Author: Devayat Khatana
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોના પર ઢોળાયો કળશ?

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓ કરી રહી છે. ગુજરાતમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં ચૂંટણીના મેદાનમાં વિજય ધ્વજ રોપવાની તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યની સાત મુખ્ય મહાનગરપાલિકાઓ માટે 243 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા."
 

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્યની સાત મુખ્ય મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિ દ્વારા મંજૂર કરાયેલી આ યાદીમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને મોરબી મહાનગરપાલિકાના કુલ 243 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.  આ યાદીમાં પક્ષ દ્વારા જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક લોકપ્રિયતાને ધ્યાને રાખીને મુરતિયાઓ મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો, કોંગ્રેસ દ્વારા સૌથી વધુ ૯૩ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. યાદી મુજબ વોર્ડ નં. ૧ (ગોતા) થી લઈને વોર્ડ નં. ૪૮ (રામોલ-હાથીજણ) સુધીના વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ગોતામાંથી તન્વીબેન દરજી, નવરંગપુરામાંથી ભાવનાબેન જાડેજા, થલતેજમાંથી અનિતાબેન ગોમ્સ અને પાલડીમાંથી સીમાબેન સોલંકી જેવા મુખ્ય ચહેરાઓ મેદાનમાં ઉતારાયા છે. અમદાવાદના આ ૯૩ ઉમેદવારોમાં મહિલાઓ અને લઘુમતી સમુદાયને પણ પૂરતું પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી પક્ષ મજબૂતીથી ચૂંટણી લડી શકે.