ગાંધીનગર: દેશની વસતી ગણતરી- 2027 અંતર્ગત ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી સ્વ-ગણતરી ઝુંબેશને સારો પ્રતિસાદ મળ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ અત્યાર સુધી 2.36 લાખથી વધુ લોકો આ ગણતરીમાં સહભાગી થયા છે. જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 42 હજારથી વધુ જ્યારે સુરતમાં 22 હજાર, વડોદરા અને આણંદમાં 16-16 હજાર, રાજકોટમાં 14 હજાર, મહેસાણામાં 11 હજારથી વધુ નાગરિકો સ્વ-ગણતરીમાં જોડાયા છે.
નાગરિકોને સહભાગી થવા અપીલ
રાજ્યભરમાં મહત્તમ નાગરિકો ટેકનોલોજીના ઉપયોગથી ઘરે બેઠા સ્વ-ગણતરી ફોર્મ ભરશે તો પોતાની સચોટ માહિતીની સાથે સાથે વસતી ગણતરી કરતા કર્મચારી પર કામનું ભારણ ઘટવાની સાથે કામમાં વધુ ઝડપ પણ આવશે. આ રાષ્ટ્રવ્યાપી સ્વ-ગણતરી ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તે માટે વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
ક્યુઆર કોડ દ્વારા પોતાની સ્વ-ગણતરીનું ફોર્મ ભરી શકાશે
વસ્તી ગણતરી નિયામક મયાત્રાએ વધુમાં કહ્યું હતું કે, આ સ્વ-ગણતરી અભિયાનમાં નાગરિકોની સાથે સાથે વધુમાં વધુ કર્મયોગીઓ પણ સહભાગી થાય તે માટે રાજ્યમાં તા. 29 મેના રોજ આરોગ્ય અને શિક્ષણ વિભાગ તેમજ તા. ૩૦ મે-૨૦૨૬ના રોજ પોલીસ વિભાગ અંતર્ગત આવતા રાજ્યભરના તમામ કર્મયોગીઓ સ્વ-ગણતરી ફોર્મ ભરશે. વર્ષ ૨૦૨૭ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. માત્ર નિશ્ચિત ક્યુઆર કોડ દ્વારા પોતાની સ્વ-ગણતરીનું ફોર્મ ભરી શકાય છે.
તેમણે ઉમેર્યું કે, આ વખતે જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત ૧૬ ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવામાં આવશે. નાગરિકો માટે 'સ્વ-ગણતરી' (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. સ્વ-ગણતરી બાદ પ્રાપ્ત થયેલ SE ID ગણતરીદારની મુલાકાત વખતે આપવાનો રહેશે. સ્વ-ગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી, ગણતરીદાર તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે. આ પ્રક્રિયાથી ડેટા સંગ્રહ ઝડપી બનશે અને ફિલ્ડ વર્કનું ભારણ ઘટશે.
ઘરયાદી અને મકાનોની ગણતરી તા. 1 જૂન, 2026 થી 30 જૂન સુધી
આ ઉપરાંત પ્રથમ તબક્કામાં 'ઘરયાદી અને મકાનોની ગણતરી' (HLO) ગુજરાતમાં તા. 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં 'વસ્તીની ગણતરી' (PE) તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. આ બીજા તબક્કા દરમિયાન જ જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.
તમામ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે
ડેટા સુરક્ષા અંગે ખાતરી આપતા નિયામકએ જણાવ્યું હતું કે, જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990 ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ કાનૂની અથવા કરવેરાના હેતુઓ માટે કરી શકાશે નહીં. દરેક વ્યક્તિ સાચી અને સંપૂર્ણ માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલ છે અને માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ દંડની જોગવાઈ પણ છે. જનતાને કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરવા જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યપાલ અને સીએમ સહિત અનેક મહાનુભાવો સહભાગી થયા
ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ સચિવઓ, જિલ્લા કલેક્ટરઓ, મહાનગરપાલિકા કમિશનરઓ તેમજ જાગૃત નાગરિકોએ સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને અન્યને સ્વ-ગણતરી માટે પ્રેરણા આપીને અપીલ પણ કરી છે.