કેન્સરના કેસમાં સતત વધારો, પુરુષો અને મહિલાઓમાં કયા કેન્સર સૌથી વધુ?
અમદાવાદઃ ગુજરાતમાં કેન્સરને લઈને ચિંતાજનક આંકડા પ્રકાશમાં આવી રહ્યાં છે, જેના કારણે લોકોના આરોગ્યને લઈને અનેક પ્રકારની ચિંતાઓ થઈ રહી છે. એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં કેન્સરના દર્દીઓમાં 10 ટકાનો વધારો થયો છે. એટલે કે દર 79000 જેટલા કેસ નોંધાય છે. એટલું જ નહીં પરંતુ દર વર્ષે ગુજરાત રાજ્યમાં આશરે 43,500 થી પણ વધારે દર્દીઓનું કેન્સરના કારણે મોત થાય છે. ગુજરાત માટે આ આંકડા ખરેખર ચિંતાજનક છે. રાજ્યમાં લોકોનું સ્વાસ્થ્ય પ્રતિદિન નબળું પડી રહી રહ્યું હોય તેનું આ પ્રમાણ છે.
રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં રોજના 217 કેન્સરના નવા દર્દીઓ નોંધાય છે. એટલું જ નહીં પરંતુ ચિંતાજનક તો એ છે કે, પ્રતિદિન 119 લોકો કેન્સરના કારણે મોતને ભેટે છે. રાષ્ટ્રીય કક્ષાએ વાત કરવામાં આવે તો, કેન્સરના દર્દીઓની સંખ્યામાં ગુજરાત ભારતમાં નવમાં સ્થાને આવે છે. જ્યારે પહેલા સ્થાને ઉત્તર પ્રદેશ આવે છે. ઉત્તર પ્રદેશમાં 2025માં 1.25 લાખ લોકોનું કેન્સરના કારણે મોત થયું હતું.
કેન્સરની વધી રહેલા કેસ આરોગ્ય વિભાગ માટે પડકાર
મળતી માહિતી અનુસાર અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત કેન્સર હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 2025માં પુરૂષોમાં મોઢાના કેન્સરના 1,931 કેસ નોંધાયા હતા, જ્યારે તેની સામે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના કારણે 2021માં 1385 કેસ અને 2025માં આંકડો વધીને 1,456 થઈ ગયો છે. કેન્સરની બિમારી જે રીતે વધી રહી છે તે આરોગ્ય વિભાગ માટે પણ એક પડકાર છે.
અમદાવાદમાં સારવારર્થે આવનારા ગુજરાતના કેટલા કેસ?
કુલ આંકડાની વાત કરવામાં આવે તો અમદાવાદની સિવિલ કેન્સર હોસ્પિટલમાં 2025માં 26,810 કેન્સરના નવા દર્દીઓ નોંધાયા હતા, પરંતુ એક ખુલાસો એવો પણ થયો છે કે, આ કેન્સર હોસ્પિટલમાં નોંધાયેલા દરેક દર્દીઓ ગુજરાતના નથી.
એવો પણ દાવો કરવામાં આવે છે કે વર્ષ 2025માં જેટલા કેન્સરના નવા કેસ નોંધાયા હતા, તેમાંથી 9147 કેસ અન્ય રાજ્યના હતા. આ દર્દીઓ સારવાર માટે ગુજરાત આવ્યાં હતાં, જેમાં ક્રમશઃ મધ્ય પ્રદેશના 4572, રાજસ્થાનના 2678, ઉત્તર પ્રદેશના 1064, બિહારના 288 અને મહારાષ્ટ્રના 279 દર્દીઓ ગુજરાતમાં કેન્સરની સારવાર માટે આવ્યાં હતાં.
કેન્સરની સારવાર કઈ રીતે કરાય છે?
કેન્સરની સારવાર અંગે વાત કરવામાં આવે તો, કેન્સર કયાં અંગ પર છે અને કેટલું ફેલાયું છે તેના પર તેની સારવાર થાય છે. મુખ્ય સારવારમાં સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન થેરાપી, ઈમ્યુનોથેરાપી અને હૉર્મોન થેરાપી દ્વારા ઈલાજ કરવામાં આવતું હોય છે. સર્જરીમાં કેન્સરની ગાંઠને ઓપરેશન કરીને કાઢવામાં આવે છે.
કીમોથેરાપીમાં કેન્સરના દર્દીને શક્તિશાળી દવાઓ આપીને કેન્સર કોષોને નષ્ટ કરવામાં આવતું હોય છે. રેડિયેશન થેરાપીની વાત કરવામાં આવે તો, રેડિશેયન એટલે કે તરંગો દ્વારા કેન્સરગ્રસ્ત કોષોને નષ્ટ કરવાાં આવે છે. ઘણી વખત એવા પ્રકારના કેન્સર હોય છે જે હૉર્મોન્સના કારણે વધતા હોય છે, તેના માટે હૉર્મોન થેરાપી દ્વારા સારવાર કરવામાં આવતી હોય છે
કેન્સરના સ્ટેજ અને તેની સારવાર
કેન્સર મૂળ ચાર સ્ટેજમાં થાય છે. પહેલા સ્ટેજમાં નાની ગાંઠ હોય છે, જેથી સારવારથી સ્વસ્થ થઈ શકાય છે. જોકે, બીજા સ્ટેજમાં ગાંઠ થોડી મોટી થઈ જાય છે તેને પણ સારવાર દ્વારા નિંયત્રણમાં લાવી શકાય છે. ત્રીજા સ્ટેજના કેન્સરમાં સારવાર થોડી મુશ્કેલ રહેતી હોય છે. લાંબા સમયથી દર્દીને સારવાર હેઠળ રહેવું પડતું હોય છે. તેના પછી આવે છે, કેન્સરની સંપૂર્ણ સારવાર કરવાનું શક્ય હોતું નથી, જેથી સાજા થવાની શક્યતા સંપૂર્ણ રીતે ઓછી છે.