Thu May 28 2026

Logo

ગુજરાતમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના વ્યાપ અને સહાયમાં વધારાને કેબિનેટની મંજૂરી

2026-05-27 20:46:16
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાતમાં મળેલી કેબિનેટની બેઠકમાં ખેડૂત-હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોનો પાક ખેતરમાં જ સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુથી અમલમાં મુકાયેલી "મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના" ના વ્યાપ અને સહાયમાં રાજ્ય સરકારે ધરખમ વધારો કર્યો છે.

 સહાયની રકમ પણ વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી

મંત્રીએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેડૂતોને 300  ચોરસ ફૂટ સુધીના પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના  50 ટકા  અથવા રૂ. 1 લાખની સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાને રાખીને હવે આ મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, હવેથી ખેડૂતો 600  ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને તેના માટે મળવાપાત્ર સહાયની રકમ પણ વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી છે.જો કોઈ ખેડૂત 300  થી 600  ચોરસ ફૂટ વચ્ચેના માપનું બાંધકામ કરે, તો તે ખેડૂતને પ્રતિ ચોરસ ફૂટના નિયત દરે પ્રમાણસર સહાય એટલે કે, પ્રો-રેટા મુજબ સહાય ચૂકવવામાં આવશે.

રૂ. 154.36  કરોડની  વહીવટી મંજૂરી  આપી

ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકે અને તેને પ્રતિકૂળ હવામાન કે અન્ય કારણોસર નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ સુધારા સાથે યોજનાના વ્યાપક અમલીકરણ માટે ચાલુ નાણાકીય વર્ષ 2026-27  અંતર્ગત રૂ. 154.36  કરોડની માતબર રકમની વહીવટી મંજૂરી પણ સરકારે આપી દીધી છે.

રાજ્યના હજારો ખેડૂતોને મોટો લાભ થશે

આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂતોને મોટો લાભ થશે અને તેઓ પોતાના ખેતરમાં જ વધુ ક્ષમતાવાળા સંગ્રહ સ્થાન બનાવીને પાકનો સુરક્ષિત સંગ્રહ કરી શકશે, જેનાથી તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મેળવવામાં પણ મદદ મળશે.