ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આજે વિધાનસભાની અતિ મહત્વપૂર્ણ ચાર નાણાકીય અને બિન નાણાકીય સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. જેની વર્ષ 2026-27 ના નાણાકીય વર્ષ માટે બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવી છે. વિધાનસભાની નાણાકીય તથા વહીવટી જવાબદારીઓના સુચારૂ સંચાલનમાં આ સમિતિઓનું વિશેષ મહત્વ રહેલું છે.
વિધાનસભાના નિયમ -156 (1 ) અન્વયે નિમણૂક
ગુજરાત વિધાનસભાના નિયમ -156 (1 ) અન્વયે અંદાજ સમિતિના પ્રમુખ તરીકે વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડા જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જાહેર સાહસો માટેની સમિતિના પ્રમુખ તરીકે ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા અને પંચાયતી રાજ સમિતિના પ્રમુખ તરીકે રાજકોટ- પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડની નિમણૂક કરવામાં આવી છે.
તમામ સમિતિઓના પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવી
ગુજરાત વિધાનસભાની આ સમિતિઓ રાજ્યના નાણાકીય વ્યવસ્થાપન, જાહેર ખર્ચની સમીક્ષા, જાહેર સાહસોની કામગીરીના મૂલ્યાંકન તેમજ પંચાયતી રાજ સંસ્થાઓના કાર્ય પર દેખરેખ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિધાનસભાના અધ્યક્ષએ તમામ સમિતિઓના પ્રમુખોને શુભેચ્છાઓ પાઠવી તેઓના માર્ગદર્શન હેઠળ સમિતિઓ રાજ્ય હિતમાં અસરકારક કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.