Thu Apr 30 2026

Logo

ગુજરાત વિધાનસભા સંકુલમાં જોવા મળશે સમૃદ્ધ કલા વારસો, કચ્છી મિરર મડ વર્ક સહિત કલાકૃતિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર...

2026-02-14 20:25:56
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી તા. 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાઈ ગયું છે. બજેટ સત્રમાં આવનાર પ્રજાના પ્રતિનિધિઓ તથા અતિથિઓ અને મુલાકાતીઓ માટે વિધાનસભા સંકુલની ભીંતો પર કંડારાયેલી અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની લોક કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.

વિધાનસભા સંકુલમાં સ્થાન આપી એક નવતર પગલું 

રાજ્યની પરંપરાગત કલા-કારીગરીને પ્રજાના પ્રતિબિંબ સમાન વિધાનસભા સંકુલમાં સ્થાન આપી એક નવતર પગલું ભરવામાં આવ્યું છે. આ પગલું સમગ્ર રાજ્યની પરંપરાગત કલા સંસ્કૃતિ તથા તેની સાથે જોડાયેલા હજારો કલા-કારીગરોને તેમના કૌશલને પરંપરાગત રીતે આગળ વધારવા માટે પ્રેરણાબળ પૂરૂં પાડશે.

ગુજરાત વિધાનસભા સંકુલને ગુજરાતના સમૃદ્ધ કલા વારસાથી રંગવામાં આવ્યું

ગુજરાત વિધાનસભા સંકુલને ગુજરાતના સમૃદ્ધ કલા વારસાથી રંગવામાં આવ્યું છે. રાજ્યમાં પરંપરાગત કલા-કારીગરીને જીવંત રાખવાનું કામ કરતાં સરકારી સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’(‘ગરવી-ગુર્જરી’) રાજ્ય સરકારના આવા હકારાત્મક પ્રયત્નોને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે અને તેની જ પહેલે ગુજરાતના હજારો કલા-કારીગરોનું પ્રતિનિધિત્વ કરતા કલા-કારીગરોને વિધાનસભા સંકુલ તરીકે ગૌરવમય મંચ આપ્યો છે. 

તેના પગલે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સંકુલ માત્ર શાસનનું કેન્દ્ર નથી રહ્યું, પણ રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો જીવંત અરીસો બની ગયું છે. આ પહેલ હેઠળ વિધાનસભા સંકુલના વિવિધ વિસ્તારોમાં ગુજરાતની ભાતીગળ અને લોકવારસાની ઝાંખી કરાવતી અનોખી લોકકલાકૃતિઓ કંડારવામાં આવી છે, જે રાજ્યની કલા-કારીગરીની વૈવિધ્યતા અને વૈભવને પ્રતિબિંબિત કરે છે.

કુશળતાના આધારે ત્રણ કળાઓની કરાઈ પસંદગી

ગરવી ગુર્જરીએ વિધાનસભા સંકુલમાં રાજ્યના કલા વારસાને રજૂ કરવા માટે એક સશક્ત પ્લેટફોર્મ તરીકે કાર્ય કરીને, રાજ્યના પ્રતિભાશાળી હાથશાળ–હસ્ત્કલા કારીગરોને માર્ગદર્શન, પ્રેઝન્ટેશન અને યોગ્ય તક ઉપલબ્ધ કરાવી. ત્યાર બાદ ગરવી-ગુર્જરીની ટીમ દ્વારા કારીગરોની કળાનું વ્યવસ્થિત પ્રસ્તુતિકરણ તૈયાર કરી રજૂ કરવામાં આવ્યું અને તેમની કુશળતા તથા કળાના સ્તરના આધારે પસંદગી કરવામાં આવી.

ગુજરાત વિધાનસભા સંકુલ માટે પસંદ થયેલી મુખ્ય લોકકલાકૃતિઓમાં (1) ગુજરાતનું પરંપરાગત મડ મિરર વર્ક (2) છોટા ઉદેપુરની વારલી આર્ટ તથા (3) અમદાવાદની માતાની પછેડી (પરંપરાગત કલમકારી કળા)નો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકકલાકૃતિઓ આજે વિધાનસભા સંકુલના ભીંતો અને વિસ્તારોને શોભા આપી રહી છે અને રાજ્યની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરી રહી છે.

વારલી કલા દ્વારા પ્રાચીન રાજસભાથી આધુનિક વિધાનસભા સુધીની યાત્રા ભીંતો પર કંડારાઈ

વિધાનસભા સંકુલમાં વારલી કલા દ્વારા પ્રાચીન રાજસભાથી આધુનિક વિધાનસભા સુધની યાત્રા તથા ગ્રામ્યથી શહેરી વિકાસની ભાવનાત્મક તેમજ દૃશ્યાત્મક ઝાંખી વારલી પેન્ટિંગથી રજુ કરવામાં આવી છે. છોટા ઉદેપુરના પ્રતિભાશાળી વારલી કારીગર અર્ચનાબેન રાઠવાએ વારલી કલાનું પ્રદર્શન કર્યું છે. છેલ્લા 8 વર્ષથી ગરવી ગુર્જરી સાથે જોડાયેલા અર્ચનાબેનને આ કળામાં વર્ષ 2022માં રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અર્ચનાબેન કહે છે, “ગરવી ગુર્જરીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી; તે મારા માટે ગર્વની વાત છે.”

કચ્છી મડ મિરર વર્ક કલા વડે વિધાનસભા સંકુલમાં સાંસ્કૃતિક લોક કલાકૃતિઓ જીવંત કરાઈ

વિધાનસભા સંકુલ પર ગુજરાતની પરંપરાગત કચ્છી મડ મિરર વર્ક કળાનો રંગ પણ છવાયો છે. આ કળાને નવી ઓળખ અપાવનાર ગીરીશ એ. પરમાર આજે આ લોકવારસાના અગત્યના કલાકાર તરીકે જાણીતા છે. મુલતાની માટી અને રંગીન કાચનો ઉપયોગ કરીને તૈયાર થતી આ કળા પરંપરાગત રીતે કચ્છના ભૂંગા ઘરોમાં જોવા મળતી હતી, જેને ગીરીશભાઈ આધુનિક અને પ્રતિષ્ઠિત સ્થાનોમાં સફળતાપૂર્વક રજૂ કરી રહ્યા છે. તેઓ તા. 26 જાન્યુઆરીની ટેબ્લો પરેડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે તથા સચિવાલય, અન્ય સરકારી કચેરીઓ અને ગરવી ગુર્જરી માટે અનેક વિશિષ્ટ પ્રોજેક્ટ્સ તેમણે પૂર્ણ કર્યા છે. આ અંગે ગીરીશભાઈ કહે છે, હું ગરવી ગુર્જરીનો આભારી છું કે તેમણે મને વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ સ્થળે મારી પરંપરાગત મડ મિરર (લીપણ વર્ક) કળા રજૂ કરવાની તક આપી. અહીં દેશભરના અધિકારીઓ અને સામાન્ય જનતા આવે છે, અને એ જગ્યાએ મારી પરંપરાગત કચ્છી કળા પ્રદર્શિત થવી મારા માટે ગર્વની વાત છે.

પરંપરા અને આધુનિકતાનું અનોખું સંકલન રજૂ કરવામાં આવ્યું

ગરવી ગુર્જરીના માર્ગદર્શન અને વિશ્વાસથી ચિતારા પરિવારે ગુજરાત વિધાનસભા સંકુલમાં અમદાવાદની પ્રાચીન માતાની પછેડી (કલમકારી) કળા રજૂ કરવાની ગૌરવસભર તક મેળવી. વિધાનસભાની દિવાલો પર માતાની પછેડી દ્વારા પરંપરા અને આધુનિકતાનું અનોખું સંકલન રજૂ કરવામાં આવ્યું છે કે જે સાંસ્કૃતિક વારસાને નવી દિશા આપે છે.

સ્થાનિક કારીગરોની પ્રતિભાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી 

ઉલ્લેખનીય  છે કે, ગરવી ગુર્જરી દ્વારા કારીગરોને માત્ર બજાર પૂરતું મંચ જ નહીં, પરંતુ પ્રતિષ્ઠિત સરકારી પ્રોજેક્ટ્સમાં ભાગીદારી કરવાની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રયત્નોથી સ્થાનિક કારીગરોની પ્રતિભાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે. ગુજરાતની પ્રાચીન હસ્તકલા આજે વિધાનસભા જેવા ગૌરવપૂર્ણ સંકુલમાં જીવંત બની રાજ્યના સાંસ્કૃતિક વારસાને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે. ગરવી ગુર્જરીનો આ પ્રયત્ન રાજ્યની કલા-કારીગરીને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે