મુંબઈ: બોલીવુડમાં 'ચીચી' એટલે કે ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી સતત સમાચારોમાં છવાયેલા છે. ક્યારેક પત્ની સુનીતા આહુજા સાથેના સંબંધોમાં ખટાશની અફવાઓ તો ક્યારેક તેમની આર્થિક સ્થિતિને લઈને સોશિયલ મીડિયા પર જાતભાતની વાતો વહેતી થઈ છે. નેટીઝન્સમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે ગોવિંદા હવે દેવાળિયા થઈ ગયા છે અને રસ્તા પર આવી ગયા છે. જોકે, હવે આ તમામ અટકળો પર વિરામ મુકતા તેમના ભાણેજ વિનય આનંદે સત્ય દુનિયા સમક્ષ મૂક્યું છે.
ગોવિંદાના ભાણેજ અને ભોજપુરી સિનેમાના જાણીતા કલાકાર વિનય આનંદે તાજેતરમાં એક પોડકાસ્ટમાં આ વિષય પર આકરા પ્રહારો કર્યા છે. વિનયે સ્પષ્ટ કર્યું કે ગોવિંદા આજે પણ એક સુપરસ્ટાર છે અને જે લોકો તેમને ગરીબ કહી રહ્યા છે તે મૂર્ખ છે. તેણે કહ્યું કે, "ગોવિંદા આજે પણ જ્યાં ઉભા રહે ત્યાં આરામથી 25-30 લાખ રૂપિયા કમાઈ શકે છે. 90ના દાયકાનો આ સુપરસ્ટાર આજે પણ કરોડોની ફી લેવાની ક્ષમતા ધરાવે છે, તો પછી લોકો આવી વાહિયાત વાતો કઈ રીતે કરી શકે?"
વિનયે ગોવિંદાના સુવર્ણકાળને યાદ કરતા જણાવ્યું કે જ્યારે મુંબઈના લોખંડવાલામાં ફ્લેટની કિંમત માત્ર 12-13 લાખ રૂપિયા હતી, ત્યારે ગોવિંદા એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા. તેણે અત્યાર સુધીમાં 70-80 જેટલી ફિલ્મ કરી છે અને તેની પાંચ ફિલ્મોએ એટલી કમાણી કરી છે કે જે બીજા સ્ટારની ફિલ્મોએ કદાચ કરી હશે. વિનયે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકો એક લિજેન્ડરી એક્ટર વિશે પાયાવિહોણી વાતો ફેલાવીને પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરે છે.
આ વિવાદો વચ્ચે ગોવિંદાએ પોતે પણ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલા રાત્રે 3 વાગ્યે કેટલાક અજાણ્યા લોકો તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેણે સ્વબચાવમાં પોતાની લાઇસન્સી રિવોલ્વર તાણવી પડી હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. નોંધનીય છે કે વિનય આનંદ પોતે 'આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા' જેવી ફિલ્મોમાં ગોવિંદા સાથે કામ કરી ચૂક્યા છે અને તે પોતે પણ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે.