Mon Aug 31 2026

Logo

જિલ્લા પરિષદના શિક્ષક પાસે લાંચ માગી: સરકારી કર્મચારીની ધરપકડ

2026-05-12 18:06:35
Author: Yogesh D. Patel
જિલ્લા પરિષદના શિક્ષક પાસે લાંચ માગી: સરકારી કર્મચારીની ધરપકડ

ગોંદિયા: ગોંદિયા જિલ્લામાં પેન્શનની પ્રક્રિયા શરૂ કરવા માટે જિલ્લા પરિષદની સ્કૂલના વરિષ્ઠ શિક્ષક પાસે 45,000ની લાંચ માગવા અન સ્વીકારવા બદલ ચીફ અકાઉન્ટ એન્ડ ફાઇનાન્સ ઓફિસર (સીએએફઓ)ની ઓફિસના કર્મચારીની એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી.

આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે એસીબીના અધિકારીઓએ સોમવારે છટકું ગોઠવ્યું હતું અને જુનિયર આસિસ્ટન્ટ ક્લર્ક સંદેશ ચંદ્રશેખર સાંભરે (35)ને તેની ઓેફિસમાં લાંચ સ્વીકારતી વખતે રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો.

31 મેના રોજ નિવૃત્ત થનારા જિલ્લા પરિષદના શિક્ષક એવા ફરિયાદીએ પેન્શન અંગે પૂછપરછ કરવા માટે સીએએફઓનો સંપર્ક સાધ્યો હતો. દરમિયાન સાંભરેએ શિક્ષકને રકમ ચૂકવવા સંદર્ભે થયેલી ભૂલ દેખાડી હતી અને તેને 1.92 લાખ રૂપિયા ભરવા પડશે, એવું કહ્યું હતું. સાંભરેએ ત્યાર બાદ આ સમસ્યાનો ઉકેલ લાવી આપવા માટે શિક્ષક પાસે પચાસ હજાર રૂપિયાની લાંચ માગી હતી, એવો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો. સાંભરે વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)