Sun Apr 12 2026

Logo

વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદી રૂ. 7813 ગબડી, સોનામાં રૂ. 1904 તૂટ્યાં

2026-03-13 19:40:15
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉકળી રહ્યા હોવાથી વૈશ્વિક અર્થતંત્રોમાં ફુગાવો વધવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સાધારણ સુધારો આવ્યો હતો અને વાયદામાં ભાવ ઘટી આવ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ 1.3 ટકા ઘટી આવ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1897થી 1904નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 7813 ગબડ્યાં હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજાર પાછળ હાજરમાં ચાંદીના વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 7813ના કડાકા સાથે રૂ. 2,60,488ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ જોવા મળી હતી. વધુમાં આજે  હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1897 ઘટીને રૂ. 1,57,765 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1904 ઘટીને રૂ. 1,58,399ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં ઊંચી સપાટીએથી માત્ર રોકાણકારોની છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળેથી સાધારણ 0.2 ટકા વધીને આૈંસદીઠ 5087.61 ડૉલર અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 0.16 ટકા ઘટીને 5092.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.3 ટકા ઘટીને આૈંસદીઠ 82.66 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

તાજેતરમાં ઈક્વિટી માર્કેટમાં થયેલા ધોવાણને કારણે નુકસાની સરભર કરવા માટે સોનામાં વેચવાલીનું દબાણ અને ક્રૂડતેલના ભાવમાં થયેલા વધારાને કારણે ફુગાવો વધી આવતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઓસરી જતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું વિશ્લેષક રોસ નોર્મને જણાવતા ઉમેર્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળામાં સોના માટે આૈંસદીઠ 5000 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થઈ શકે છે. 

ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ રાખ્યો હોવાથી ક્રૂડતેલના પુરવઠાની ચિંતા સપાટી પર આવતા આજે એશિયન ઈક્વિટી બજારોમાં સતત બીજા સત્રમાં નરમાઈની સાથે સાપ્તાહિક ધોરણે પણ પીછેહઠ જોવા મળી છે. ક્રૂડતેલના ભાવ વધી આવતા અમેરિકાએ પુરવઠાની ચિંતા હળવી કરવા 30 દિવસ સુધી રશિયન તેલની ખરીદીની છૂટ આપી છે તેમ જ ઈન્ટરનેશનલ એનર્જી એસોસિયેશને તેની વ્યૂહાત્મક અનામતમાંથી 40 કરોડ બેરલનો જથ્થો છૂટો કરવાની સહમતી આપી છે. 

હવે રોકાણકારોની નજર આગામી 17-18 માર્ચની અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, આ બેઠકમાં વ્યાજદર યથાવત્‌‍ રાખવામાં આવે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં આજે ડૉલર ઈન્ડેક્સ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ અને અમેરિકાની 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ છ સપ્તાહની ઊંચી સપાટીએ રહી હોવાથી પણ સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.