Sat Mar 14 2026

Logo

યુરોપિયન બૉન્ડની યિલ્ડમાં ઘટાડો અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવથી વૈશ્વિક સોનાચાંદીમાં આગેકૂચ...

3 weeks ago
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિકમાં ચાંદી રૂ. 5542 ચમકી અને સોનામાં રૂ. 496નો સુધારો  
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવ અને યુરોપિયન બૉન્ડની યિલ્ડમાં ઘટાડો આવતાં આજે લંડન ખાતે સત્રના આરંભમાં સોના અને ચાંદીમાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. જોકે, આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાના ડેટા જાહેર થવાના હોવાથી અમુક અંશે રોકાણકારોનો સાવચેતીનો અભિગમ પણ જોવા મળ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 26 પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં પણ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 5542 ઊછળી આવ્યા હતા, જ્યારે સોનામાં રૂ. 494થી 496નો ધીમો સુધારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5542ના ઊછાળા સાથે રૂ. 2,50,314ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 494 વધીને રૂ. 1,54,445 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 496 વધીને રૂ. 1,55,066ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હતી. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 5032.49 ડૉલર આસપાસ અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 1.1 ટકા વધીને 5052.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 2.8 ટકા વધીને આૈંસદીઠ 80.57 ડૉલર આસપાસના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા. 
એકંદરે વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા યુરોપિયન બૉન્ડની યિલ્ડ અથવા તો ઊપજમાં સતત બીજા સપ્તાહે ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હોવાથી આજે લંડન ખાતે સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.

વધુમાં ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાનને તેનાં ન્યૂક્લિયર પ્રોગ્રામ અંગે ડીલ કરવા માટે 10થી 15 દિવસની મુદ્ત આપી હોવાથી ભાવવધારાને વધુ ટેકો મળ્યો હોવાનું ક્વૉન્ટિટિવ કૉમૉડિટીનાં રિસર્ચ એનાલિસ્ટ પીટર ફર્ટિગે જણાવ્યું હતું. વધુમાં આજે ગોલ્ડમેન સાશે એક નોટ્સમાં જણાવ્યું હતું કે કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ હેઠળ રોકાણકારોની લેવાલીને ટેકે સોનામાં ધીમી પણ મક્કમ ગતિએ સુધારાતરફી વલણ જળવાયેલું રહેશે. આ સિવાય અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતના નિર્ણય માટે મહત્ત્વના ગણી શકાય તેવા પર્સનલ ક્નઝમ્પશનના ડેટાની જાહેરાત પર રોકાણકારોની મીટ મંડાયેલી છે. જોકે, રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા અર્થશાસ્ત્રીઓના સર્વેક્ષણમાં ફુગાવામાં 0.3 ટકાની વૃદ્ધિ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.