Tue Aug 18 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ થતાં ફુગાવાલક્ષી દબાણ હળવુ થવાનો આશાવાદ

2026-08-05 19:48:59
Author: Ramesh Gohil
Article Image

વૈશ્વિક સોનું બે ટકા ઊછળતા સ્થાનિકમાં રૂ. 2760નો અને ચાંદીમાં રૂ. 5927નો ચમકારો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ અંગેની વાટાઘાટો થઈ રહી હોવાના નિર્દેશો સાથે ક્રૂડતેલના વૈશ્વિક ભાવમાં ઘટાડો થતાં એકંદરે ફુગાવાલક્ષી દબાણ હળવું થવાનો આશાવાદ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં બે ટકા જેટલો અને ચાંદીના ભાવમાં ત્રણ ટકા જેટલો ઉછાળો આવ્યાના પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2749થી 2760નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 5927નો ચમકારો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને વિશ્વ બજાર પાછળ 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5927ના ચમકારા સાથે રૂ. 2,24,562ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહી હતી. વધુમાં આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત છૂટીછવાઈ રોકાણલક્ષી માગને ટેકે હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2749 વધીને રૂ. 1,45,043 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2760 વધીને રૂ. 1,45,626ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ સુસ્ત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના આૈંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે 2.3 ટકા વધીને ગત સાતમી જુલાઈ પછીની ઊંચી 4168.34 ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.8 ટકા વધીને આૈંસદીઠ 4227.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 3.3 ટકા વધીને આૈંસદીઠ 61.50 ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા. 

ગઈકાલે અમારા વહીવટી તંત્રએ ઈરાન સાથે ઘણી સફળ ચર્ચાઓ કરી હોવાનું અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવતાં પાંચ મહિનાના વિવાદનો અંત આવે તેવો આશાવાદ સપાટી પર આવતા ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ આવતા સોનાના સુધારાને ટેકો મળ્યો હતો. આમ એકંદરે અખાતી વિસ્તારોમાં શાંતિ અંગેની ડીલના સંકેતો મળવાની સાથે અમેરિકી બૉન્ડની યિલ્ડમાં પણ ઘટાડો આવતા સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું નેમો મનીનાં વિશ્લેષક જેમી દત્તાએ જણાવ્યું હતું. 

વધુમાં આજે અમેરિકી ડૉલર પણ અમુક અંશે દબાણ હેઠળ રહ્યો હોવાથી અન્ય કરન્સી ધારકોની પડતરોમાં ઘટાડો થવાથી સોના અને ચાંદી ઉપરાંત અન્ય કિંમતી ધાતુઓના ભાવ વધી આવ્યા હતા. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી 57 ટકા શક્યતા મૂકી રહ્યા હતા.નોંધનીય બાબત એ છે કે ગઈકાલે આ શક્યતા 67 ટકા દર્શાવાઈ રહી હતી. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના એડીપી રોજગારીના ડેટા પર સ્થિર થઈ હતી. 

એકંદરે આ વર્ષે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નહીંવત્‌‍ હોવાથી આ વર્ષના અંત પૂર્વે એક વખત સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલરની અંદર ઊતરે તેવી શક્યતા કેપિટલ ઈકોનોમિક્સના અર્થશાસ્ત્રી હમાદ હસને વ્યક્ત કરી હતી.