Sat Mar 14 2026

Logo

વૈશ્વિક સોના-ચાંદીમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક સ્થાનિક સોનામાં રૂ. 281નો ધીમો ઘસરકેેો, ચાંદી રૂ. 3843 ચમકી

3 weeks ago
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવમાં એક ટકા જેટલો અને ચાંદીમાં પાંચ ટકા જેટલો કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે અમેરિકી ફેડરલ રિઝર્વની ગત જાન્યુઆરી મહિનાની નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે બન્ને કિંમતી ધાતુઓમાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં કિલોદીઠ રૂ. 3843નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે સોનામાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 280થી 281નો ઘીમો ઘસરકો આવ્યો હતો. 

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3843ના ચમકારા સાથે રૂ. 2,36,798ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા આજે વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 280 ઘટીને રૂ. 1,50,977 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 281 ઘટીને રૂ. 1,51,584ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં સાધારણ ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી 0.8 ટકા વધીને આૈંસદીઠ 4915.90 ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂયોર્ક ખાતે હાજર ભાવમાં એક ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. તેમ જ આજે એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા વધીને 4936.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ગઈકાલે ચાંદીના ભાવ પાંચ ટકા તૂટ્યા બાદ 3.3 ટકા વધીને આૈંસદીઠ 75.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

ગઈકાલે સોનાના ભાવ આૈંસદીઠ 4900 ડૉલરની અંદર ઉતરી ગયા બાદ આજે ફેડરલ રિઝર્વની જાહેર થનારી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પૂર્વે વૅલ્યુ બાઈંગ નીકળવાની સાથે રોકાણકારોની લેવાલીને ટેકે સુધારો જોવા મળ્યો હોવાનું નેટિક્સિસનાં વિશ્લેષક બર્નાર્ડ દહદહેએ જણાવ્યું હતું. 
વધુમાં હવે રોકાણકારોની નજર આવતા શુક્રવારે જાહેર થનારા અમેરિકાના ડિસેમ્બર મહિનાના ફુગાવાના ડેટા પર પણ સ્થિર થઈ છે કેમ કે ફુગાવાના દરની અસર ફેડરલની નાણાનીતિના વલણ પર થતી હોય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત મંગળવારે શિકાગો ફેડના પ્રમુખ ગુલ્સબીએ જણાવ્યું હતું કે જો ફુગાવોનો દર બે ટકાથી નીચો રહે તો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં એક કરતાં વધુ વખત કાપ મૂકી શકે છે. આ સિવાય રોકાણકારો અને ટ્રેડરોની નજર અમેરિકા-ઈરાન વચ્ચેની ન્યૂક્લિયર અંગેની વાટાઘાટો પર પણ મંડાયેલી છે. આમ જ્યાં સુધી ભૂરાજકીય તણાવ સપાટી પર રહેશે ત્યાં સુધી સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.