Sun Sep 06 2026

Logo

ગીરના સાવજના મોતના સમાચાર વચ્ચે 12 વેટરનરી ડોક્ટરના રાજીનામા સાવજના મોત અંગે મુખ્ય પ્રધાને મેળવી માહિતી

2026-05-27 21:23:47
Author: Pooja Shah
ગીરના સાવજના મોતના સમાચાર વચ્ચે 12 વેટરનરી ડોક્ટરના રાજીનામા સાવજના મોત અંગે મુખ્ય પ્રધાને મેળવી માહિતી

અમદાવાદઃ ગુજરાતના એશિયાટિક સિંહોના ટૂંકાગાળામાં થઈ રહેલા મોતને કારણે ચિંતાનો માહોલ છે. વનવિસ્તારમાં  આઠ સિંહના મૃત્યુના અહેવાલો બાદ રાજ્ય સરકાર અને વન વિભાગ સખત મોનિટરિંગ કરી રહ્યું છે ત્યારે અહેવાલો અનુસાર સાવજોની સારવાર કરતા 12 જેટલા વેટરનરી ડોક્ટરે રાજીનામા આપી દીધા હતા. આ કરાર આધારિત ડોક્ટરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ તમામ તબીબો ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના તાબા હેઠળ સક્કરબાગ ઝૂ સહિત રાજ્યના વિવિધ રેસ્ક્યૂ સેન્ટરોમાં ફરજ બજાવી રહ્યા હતા, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

મળતી વિગતો મુજબ, વન વિભાગે વર્ગ-2 ની કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં લાંબા સમયથી અહીં સેવા આપી રહેલા તબીબો માટે કોઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવી નથી. આથી નારાજ તબીબોએ  મુખ્ય વન સંરક્ષકને પત્ર લખીને પોતાના રાજીનામા ધરી દીધા હતા. જોકે વન વિભાગે તેમની સામે કડક વલણ અપનાવ્યું છે અને સ્પષ્ટતા કરી હતી કે કરાર સમયે જ જણાવવામાં આવ્યું હતું કે સરકારી નિયમોમાં ફેરફાર શક્ય બનશે નહીં. જોકે તેમના રાજીનામા સ્વીકારવા અંગે હજુ કઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

દરમિયાન મુખ્ય પ્રધાને ગીર વિસ્તારમાં થયેલા સિંહ બાળ મૃત્યુ અંગેની વિગતો ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને મેળવી હતી. રાજ્ય સરકારે જણાવ્યા અનુસાર ૪ સિંહ બાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ ૧૭ જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે. તેની વિગતો વન પર્યાવરણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવે આપી હતી.

ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે અને તેમનામાં કોઇ અન્ય બિમારીના લક્ષણો જણાઇ આવ્યા નથી.  અમરેલી અને ભાવનગર જીલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરિક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે.

 ઉનાળાની શરૂઆતમાં જોવા મળતી આવી સીઝનલ બિમારી સામે સલામતી ના ભાગરૂપે  ગીર વિસ્તારના ૩૫૦ થી વધુ સિંહોના ડી ટીકીંગ અને અન્ય આરોગ્યલક્ષી પગલાઓની કામગીરી હાથ ધરવામાં આવી છે તેની વિગતો પણ આ બેઠકમાં આપવામાં આવી હતી.

આ કામગીરીમાં જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબિબો પણ જોડાયા હતા તેમ અગ્ર મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહે જણાવ્યુ હતુ.