(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દરિયામાં છોડવમાં આવતા ગંદા પાણી પર પ્રક્રિયા કરીને તેની ગુણવત્તા સુધારવા માટે ઘાટકોપર (પૂર્વ)માં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) બાંધવામાં આવી રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાએ પ્રતિદિન ૩૩૭ એમએલ(મિલ્યન લિટર) ક્ષમતાના આ એસટીપીનું બાંધકામ પૂર્ણ કરવા માટે માર્ચ ૨૦૨૭ ની સમયમર્યાદા નક્કી કરી છે, તે માટે અધિકારીઓને વધારાના માનવબળની મદદ લઈને લક્ષ્યને પૂર્ણ કરવા બાંધકામ ઝડપી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરે શનિવારે ઘાટકોપરમાં સાઈટ પર ઈન્સ્પેકશન કર્યું હતુંં એ દરમ્યાન તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે હાલ વરસાદે બ્રેક લીધો છે, તે સમયનો ઉપયોગ કરીને કામને ઝડપી કરવું. નિર્ધારિત સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ થાય તે સુનિશ્ર્ચિત કરવા માટે માઇક્રો-પ્લાનિંગ કરીને આયોજનબદ્ધ રીતે અમલમાં મૂકવામાં આવે તો પ્રોજેક્ટ સમયમર્યાદા પહેલા પૂર્ણ કરવાનું પણ શક્ય બની શકે છે એવી સૂચના પણ તેમણે આપી હતી.

મુંબઈ સ્યુએજ ડિસ્પોઝલ પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવી રહેલો ઘાટકોપર એસટીપી સિક્વન્શિયલ બેચ રિએક્ટર (એસબીઆર) ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૩૩૭ મિલ્યન લિટર સ્યુએજ પ્રતિ દિવસ (એમએલડી) ની પ્રક્રિયા કરવાની ક્ષમતા ધરાવશે. સંપૂર્ણ ગંદા પાણી પર પ્રક્રિયા કરીને તેને દરિયામાં છોડવા પહેલા ૧૭૦ એમએલડી પાણી પર તૃતીય સ્તરની શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવશે, જેનાથી દરિયામાં પ્રવેશતા ગંદા પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.
અભિજિત બાંગરે નજીકના ઘાટકોપર પમ્પિંગ સ્ટેશન અપગ્રેડની પણ સમીક્ષા કરી હતી જ્યાં સિવિલ અને ઇલેક્ટ્રિકલ કામમાં ૮૫ ટકા પ્રગતિ થઈ છે. આ પ્રોજેક્ટમાં પમ્પિંગ સ્ટેશન બિલ્ડિંગનું સમારકામ, યાંત્રિક ઉપકરણોની ફેરબદલી, ઉચ્ચ ક્ષમતાવાળા પંપ બેસાડવા જેવા કામનોે સમાવેશ થાય છે.

અધિકારીઓને ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પમ્પિંગ સ્ટેશન પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પાલિકા પ્રશાસને જણાવ્યું હતું કે નવા એસટીપીથી ઘાટકોપર, ગોવંડી, માનખુર્દ અને ચેમ્બુરના રહેવાસીઓને લાભ થશે. સાથે જ દરિયાના પાણીની ગુણવત્તા તો સુધરશે પણ સાથે જ સાગરી જીવનમાં પણ સુધારણા થાય તેવી અપેક્ષા છે. જોકે આ પ્રોજેક્ટ નોંધપાત્ર એન્જિનિયરિંગ પડકારો ઊભા કરે છે કારણ કે નવી સુવિધાના નિર્માણ દરમિયાન હાલનો સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત રહેવો જરૂરી છે. નવો પ્લાન્ટ કાર્યરત થાય તે પહેલાં હાલના શુદ્ધિકરણ તળાવોમાં જમા થયેલા કાદવને દૂર કરવો, શુદ્ધિકરણ કરવું અને વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો પડશે. પ્રોજેક્ટ સ્થળ ખાડી, જંગલની જમીન અને પર્યાવરણને સંવેદનશીલ થાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્યથી પણ ઘેરાયેલું છે, જેના માટે કાળજીપૂર્વક અમલીકરણની જરૂર છે.
આ પ્રોજેક્ટ માટેનો કોન્ટ્રાક્ટ મે ૨૦૨૨ માં જીવીપીઆર એન્જિનિયર્સ લિમિટેડને આપવામાં આવ્યો હતો, જેનું કામ તે વર્ષે જુલાઈમાં શરૂ થયું હતું. આ પ્રોજેક્ટનો બાંધકામ સમયગાળો ચાર વર્ષનો છે અને ત્યારબાદ ૧૫ વર્ષનો સંચાલન અને જાળવણીનો સમયગાળો છે. હાલનો ઘાટકોપર પ્લાન્ટ ગંદા પાણીને ખાડીમાં છોડતા પહેલા ફક્ત પ્રાથમિક સ્તરની સ્ક્રીનીંગ અને ડિગ્રિટીંગ - પૂરી પાડે છે. નવી સુવિધામાં ૩૩૭ એલએલડી ગંદા પાણી પર દ્વિતીય સ્તરની પ્રક્રિયા કરી શકાશે, જેમાં લગભગ અડધા માટે તૃતીય પ્રક્રિયા કરવામાં આવશે, જે મુંબઈના પર્યાવરણીય રક્ષણ માટે ઉપયોગી સાબિત થશે.