Sun Jul 12 2026

Logo

પાયધુનીમાં આઠ વર્ષની બાળકી સાથે કર્યું દુષ્કર્મ: સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

2026-07-12 21:41:00
Author: Yogesh D. Patel
Article Image

ઘટના બાદ લોકોમાં આક્રોશ: પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન

મુંબઈ: દક્ષિણ મુંબઈના પાયધુની વિસ્તારમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવા પ્રકરણે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને તેમણે પોલીસ સ્ટેશન બહાર એકઠા થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમ જ આરોપીને આકરી સજાની માગણી કરવામાં આવી હતી.

દુષ્કર્મનો શિકાર બનેલી બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોઇ તેની સારવાર ચાલી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાયધુની વિસ્તારમાં આવેલી ઇમારતમાં રહેનારી બાળકી સાથે રેસ્ટરૂમમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બાળકીના પરિવારે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થયા બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તેઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો તથા આરોપીને આકરી સજાની માગણી કરી હતી.
રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનની બહારનો રસ્તો બ્લોક કરી દીધો હતો, જેને કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઇ હતી.

પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યા બાદ લોકોને સમજાવ્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. દરમિયાન ઘટનાની જાણ થતાં રાજ્યના સ્પીકર રાહુલ નાર્વેકર પાયધુની પોલીસ સ્ટેશનમાં આવ્યા ત્યારે લોકોએ તેમનો ઘેરાવ કર્યો હતો અને આરોપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.